ડેટિંગ એપ પર પ્રેમ, લગ્ન માટે કેનેડાથી ભારત આવી 61 વર્ષીય મહિલા; યુવકે ઉંમર જાણતાં જ પાડી દીધી ના

ડેટિંગ એપ પર પ્રેમ, લગ્ન માટે કેનેડાથી ભારત આવી 61 વર્ષીય મહિલા; યુવકે ઉંમર જાણતાં જ પાડી દીધી ના
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઓનલાઈન ડેટિંગ એપ (Online Dating App) પર શરૂ થયેલી મિત્રતા પ્રેમમાં પરિણમ્યા બાદ કેનેડાની 61 વર્ષીય મહિલા લગ્ન કરવાની આશા સાથે ભારત આવી હતી. જોકે, રાજસ્થાનના નીમરાણામાં પહોંચ્યા બાદ આ પ્રેમ કહાનીમાં અણધાર્યો વળાંક આવ્યો હતો. હરિયાણાના પાણીપતના યુવકે મહિલાની ઉંમર વધુ હોવાનું કારણ આપીને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ મામલે બંને વચ્ચે વિવાદ થતાં આખરે કેનેડા દૂતાવાસ અને સ્થાનિક પોલીસને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. પોલીસે યુવકને ડિટેઈન કરીને તપાસ શરૂ કરી છે.

એક વર્ષ પહેલાં ડેટિંગ એપ પર થઈ હતી મુલાકાત

નીમરાણા પોલીસ સ્ટેશનના અધિકારી સુરેન્દ્ર યાદવે આપેલી માહિતી મુજબ, લગભગ એક વર્ષ પહેલાં હરિયાણાના પાણીપતના રહેવાસી નીતિન નામના યુવકની મુલાકાત ઓનલાઈન ડેટિંગ એપ મારફતે કેનેડાની એક મહિલા સાથે થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે સામાન્ય વાતચીત થતી હતી, પરંતુ સમય જતાં તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાની સંમતિ પણ દર્શાવી હતી. આ જ વિશ્વાસ સાથે મહિલા લગ્નનાં સપનાં લઈને ભારત આવવા તૈયાર થઈ હતી.

જાહેરાત

11 નવેમ્બરે દિલ્હી પહોંચી મહિલા

મળતી માહિતી મુજબ, કેનેડાની મહિલા ટૂરિસ્ટ વિઝા (Tourist Visa) પર 11 નવેમ્બરે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. યુવક નીતિન તેને લેવા માટે પોતે એરપોર્ટ પહોંચ્યો હતો. ત્યાંથી તે મહિલાને રાજસ્થાનના કોટપુતલી-બહરોડ જિલ્લાના નીમરાણા વિસ્તારમાં આવેલા પોતાના માસા-માસીના ફ્લેટ પર લઈ ગયો હતો. મહિલા અને યુવક આ ફ્લેટમાં બે દિવસ સુધી સાથે રહ્યાં હતાં. આ દરમિયાન લગ્નની વાત આગળ વધી ત્યારે મહિલાની વાસ્તવિક ઉંમર આશરે 61 વર્ષ હોવાનું સામે આવ્યું હતું.

મહિલાની ઉંમર જાણીને યુવકે લગ્નનો ઇનકાર કર્યો

મહિલાની ઉંમર જાણ્યા બાદ યુવક નીતિને ઉંમરમાં મોટો તફાવત હોવાનું કારણ આપીને લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. હજારો કિલોમીટર દૂરથી લગ્નની આશા સાથે ભારત આવેલી મહિલા માટે આ નિર્ણય આઘાતજનક હતો. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી અને વિવાદ ઉગ્ર બન્યો હતો. મામલો વધુ વણસતાં મહિલાએ તાત્કાલિક કેનેડા દૂતાવાસનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી.

કેનેડા દૂતાવાસના એલર્ટ બાદ પોલીસની કાર્યવાહી

કેનેડા દૂતાવાસ તરફથી જાણકારી મળ્યા બાદ નીમરાણા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, યુવક નીતિન હરિયાણાના પાણીપતનો રહેવાસી છે અને એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. હાલ પોલીસે તેને ડિટેઈન કર્યો છે અને સમગ્ર મામલે પૂછપરછ તથા તપાસ હાથ ધરી છે. ઓનલાઈન ડેટિંગ એપથી શરૂ થયેલી પ્રેમ કહાની લગ્ન સુધી પહોંચે તે પહેલાં જ તૂટી પડતાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. જોકે, પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત