Video: "રાહુલ ગાંધીએ ક્યારેય પુરાવા વિના આરોપ લગાવ્યો નથી..." ફોન ટેપિંગ વિવાદમાં કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેની એન્ટ્રી, PM મોદી પર કર્યા આકરા પ્રહાર!

સોર્સ: gstv

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા પોતાનો ફોન ટેપ કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આરોપો બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મુદ્દે કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેએ રાહુલ ગાંધીના દાવાઓનું સમર્થન કરતા કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.

પુરાવા વિના આરોપ નથી લગાવતા રાહુલ ગાંધી: પ્રિયાંક ખડગે

જાહેરાત

મીડિયા સાથેની વાતચીતમાં કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેએ જણાવ્યું હતું કે, "રાહુલ ગાંધીએ ક્યારેય દસ્તાવેજો કે પુરાવા વિના કોઈ આરોપ લગાવ્યો નથી. જો તેમણે આ દાવો કર્યો છે, તો તે સાચો જ છે, કારણ કે અગાઉ પણ તમે પેગાસસ (Pegasus) કેસ વિશે સાંભળ્યું જ છે."

પેગાસસ મુદ્દે વડાપ્રધાન પર ઉઠાવ્યા સવાલ

પેગાસસ જાસૂસી વિવાદનો ઉલ્લેખ કરતા પ્રિયાંક ખડગેએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, "અહેવાલોમાં જણાવ્યા મુજબ, પેગાસસનો ઉપયોગ સૌપ્રથમ વડાપ્રધાન મોદીના પોતાના જ કેબિનેટ સાથીઓ પર કરવામાં આવ્યો હતો. તેથી, જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જ સાથીદારો પર પેગાસસ જેવા સ્પાયવેરનો ઉપયોગ કરી શકે છે, તો શું તેઓ વિપક્ષી નેતાઓ માટે તેનો ઉપયોગ નહીં કરતા હોય?"

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે તેમનો ફોન ટેપ કરવામાં આવી રહ્યો છે અને તેમની પાસે તમામ આરોપોના પુરાવા ફોનમાં મોજૂદ છે. પ્રિયાંક ખડગેના આ નિવેદન બાદ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ફોન ટેપિંગ અને જાસૂસીના મુદ્દે ફરી એકવાર રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ તેજ બન્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત