જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટથી ઈમારત ધરાશાયી થતાં 2ના મોત, 9 ગંભીર ઘાયલ
જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરી ખમરિયામાં મંગળવારે જોરદાર વિસ્ફોટ થ

જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરી ખમરિયામાં મંગળવારે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 2 લોકોના મોત થયાના સમાચાર છે. સાથે જ 9 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટના ફેક્ટરીના F-6 સેક્શનમાં ત્યારે થઈ જ્યારે એરિયલ બોમ્બ અચાનક ફાટ્યો. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ. ફેક્ટરી મેનેજમેન્ટે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આ બ્લાસ્ટ ફેક્ટરીના F-6 સેક્શનના બિલ્ડિંગ નંબર 200માં થયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે ઘણા કર્મચારીઓ દટાયા હોવાની આશંકા છે. ઘટના બાદ ફેક્ટરી મેનેજમેન્ટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ફસાયેલા કર્મચારીઓને બહાર કાઢવામાં વ્યસ્ત છે. વહીવટીતંત્ર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે જબલપુરની સુરક્ષા સંસ્થા ઓર્ડિનન્સ મેન્યુફેક્ચરિંગ ખમરિયામાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેમાં બે લોકોના મોતની માહિતી છે. એક ડઝન જેટલા કર્મચારીઓ દાઝી ગયા છે. 9ની હાલત નાજુક છે, જેમને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બોમ્બ ફિલિંગ કરવા દરમિયાન આ વિસ્ફોટ થયો હતો.
જણાવી દઇએ કે, ઓર્ડિનન્સ ફેક્ટરી ખમરિયાના જીએમ અને અન્ય અધિકારીઓ સ્થળ પર હાજર છે. જો કે, અધિકારીઓ હાલમાં મીડિયા સાથે કોઈ માહિતી શેર કરી રહ્યા નથી. માહિતી મળતાં કેન્ટ વિધાનસભાના ધારાસભ્ય અશોક રોહાની ઘાયલોને જોવા માટે ઓર્ડિનન્સ ફેક્ટરી, ખમરિયા સ્થિત હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ ફેક્ટરીના F-6 સેક્શનમાં બોમ્બ ભરવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન હાઇડ્રોલિક સિસ્ટમમાં અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ પાંચ કિલોમીટર સુધી સંભળાયો હતો.







