મહારાષ્ટ્રના ગોંદિયામાં ગમખ્વાર અકસ્માત: ટ્રક અને SUV વચ્ચેની ટક્કરમાં 3 વર્ષના બાળક સહિત 6ના મોત, 7 ઘાયલ

મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં એક ઝડપી ટ્રક અને એસયુવી વચ્ચે અથડાતાં ત્રણ વર્ષના બાળક સહિત છ લોકોના મોત થયા છે અને અન્ય સાતને ઇજા થઈ છે, એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું. મૃતક અને ઈજાગ્રસ્ત મધ્યપ્રદેશના મજૂર હતા અને કામ માટે તેલંગાણાના કરીમનગર જઈ રહ્યા હતા.
ગોંદિયા ગ્રામીણ પોલીસના ઇન્સ્પેક્ટર વૈભવ પવારે જણાવ્યું હતું કે જિલ્લા મુખ્યાલયથી લગભગ ચાર કિમી દૂર નાગરા ગામ પાસે સોમવારે રાત્રે આ ભયાનક અકસ્માત થયો હતો. ગોંદિયાનો રહેવાસી ટ્રક ડ્રાઈવર મોહસીન ખાન (૩૨ ) વાહન પરથી કાબુ ગુમાવતા વિરુદ્ધ દિશામાંથી આવતી એસયુવી સાથે ટકરાયો હતો.
પવારે જણાવ્યું હતું કે વાહનમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે સાત ઘાયલ થયા હતા. તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોની ઓળખ કિરણ સંતોષ વૈધ (૨૬ ), સંતોષ માત્રે (૩૮ ), સુશીલા માત્રે (૩૫ ), રૃપસેન તેજલાલ સત્યકર (૩૫ ), જ્યોતિ રૃપસેન સત્યકર (૩૨ ) અને ત્રણ વર્ષીય આરુષ માત્રે તરીકે થઈ છે. તેઓ એમપીના બાલાઘાટ જિલ્લાના કિરણાપુર તાલુકાના રહેવાસી છે.આ મામલામાં ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને અન્ય સંબંધિત કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

