ફર્ટિલિટી ટેસ્ટ માટે ગયો 26 વર્ષનો યુવક, પેટમાં ગર્ભાશય મળતાં ડોક્ટરો પણ ચોંક્યા

દિલ્હીની એક હોસ્પિટલમાં સામે આવેલો એક દુર્લભ (Rare) મેડિકલ કેસ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. 26 વર્ષનો એક પરિણીત યુવક ફર્ટિલિટી ટેસ્ટ (Fertility Test) માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે, તપાસ દરમિયાન ડોક્ટરોને તેના પેટની અંદર ગર્ભાશય (Uterus) અને ફેલોપિયન ટ્યુબ (Fallopian Tubes) જેવી રચનાઓ જોવા મળી હતી. આ અસામાન્ય સ્થિતિ જોઈને મેડિકલ ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
યુવકનું બહારથી શારીરિક વિકાસ સંપૂર્ણપણે પુરુષ જેવું હતું. પરંતુ તપાસ દરમિયાન સામે આવ્યું કે તેના બંને અંડકોષ (Testicles) પણ સામાન્ય રીતે જ્યાં હોવા જોઈએ ત્યાં નહોતા. બંને અંડકોષ પેટની અંદર જ હતા.
MRI તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
ડોક્ટરોના જણાવ્યા મુજબ, યુવક હોસ્પિટલમાં આવ્યા બાદ તેના અનેક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેનું MRI (Magnetic Resonance Imaging) કરવામાં આવ્યું. આ તપાસમાં તેના પેલ્વિક વિસ્તારમાં ગર્ભાશય જેવી રચના જોવા મળી હતી. તેની સાથે બે ટ્યુબ પણ જોવા મળી હતી, જે મહિલાઓમાં જોવા મળતી ફેલોપિયન ટ્યુબ જેવી હતી.
આ પછી ડોક્ટરોએ યુવકનું Genetic Test કરાવ્યું. રિપોર્ટમાં તેનો ક્રોમોઝોમ પેટર્ન 46,XY આવ્યો, જે સામાન્ય રીતે પુરુષોમાં જોવા મળે છે. યુવકનો બાહ્ય શારીરિક વિકાસ પણ પુરુષ જેવો જ હતો.
ફર્ટિલિટી ટેસ્ટ દરમિયાન યુવકનો સ્પર્મ કાઉન્ટ (Sperm Count) શૂન્ય હોવાનું સામે આવ્યું. આ તપાસ દરમિયાન ડોક્ટરોને બંને અંડકોષ પેટની અંદર હોવાની માહિતી પણ મળી.
શું છે Persistent Müllerian Duct Syndrome?
ડોક્ટરોએ યુવકમાં Persistent Müllerian Duct Syndrome (PMDS) નામની અત્યંત દુર્લભ જન્મજાત સ્થિતિ હોવાનું નિદાન કર્યું. આ સ્થિતિમાં પુરુષ ભ્રૂણના વિકાસ દરમિયાન શરીરમાં બનતી કેટલીક સ્ત્રી પ્રજનન અંગોની રચનાઓ જન્મ પહેલા સંપૂર્ણપણે નષ્ટ થતી નથી.
સામાન્ય રીતે પુરુષ ભ્રૂણના વિકાસ દરમિયાન ગર્ભાશય અને ફેલોપિયન ટ્યુબ જેવી રચનાઓ થોડા સમય માટે બને છે. ત્યારબાદ હોર્મોનલ પ્રક્રિયાના કારણે આ રચનાઓ વિકાસ દરમિયાન દૂર થઈ જાય છે. પરંતુ PMDSમાં આ પ્રક્રિયા યોગ્ય રીતે ન થતાં ગર્ભાશય અથવા ફેલોપિયન ટ્યુબ જેવી રચનાઓ શરીરની અંદર રહી શકે છે.
આ સ્થિતિ ધરાવતી વ્યક્તિના ક્રોમોઝોમ અને બાહ્ય શારીરિક લક્ષણો પુરુષ જેવા જ હોઈ શકે છે. ઘણી વખત આ સ્થિતિના કોઈ સ્પષ્ટ લક્ષણો પણ જોવા મળતા નથી અને વર્ષો સુધી તેની જાણ થતી નથી. ઘણીવાર Ultrasound, MRI અથવા અન્ય તપાસ દરમિયાન આ સ્થિતિનો ખુલાસો થાય છે.
સર્જરી દરમિયાન વધુ મોટો ખુલાસો
આ કેસની વધુ તપાસ અને પુષ્ટિ માટે ડોક્ટરોએ Laparoscopy કરી હતી. સર્જરી દરમિયાન પેટની અંદર એક નાનું અને સંપૂર્ણ રીતે વિકસિત ન થયેલું ગર્ભાશય મળ્યું હતું. બંને અંડકોષ પણ પેટની અંદર જ હતા.
ડોક્ટરો માટે ચિંતાનો વિષય એ હતો કે લાંબા સમય સુધી પેટની અંદર રહેલા અંડકોષમાં કેટલીક પરિસ્થિતિઓમાં કેન્સર (Cancer)નું જોખમ વધી શકે છે. તેથી મેડિકલ ટીમે Laparoscopic Surgery દ્વારા ગર્ભાશય જેવી વધારાની રચનાઓ અને બંને અંડકોષ દૂર કરવાનો નિર્ણય લીધો.
આ કેસ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે યુવકનું બાહ્ય શારીરિક વિકાસ સામાન્ય પુરુષ જેવું હોવા છતાં શરીરની અંદર પ્રજનન તંત્ર સાથે જોડાયેલી અસામાન્ય રચનાઓ હાજર હતી. PMDS જેવી દુર્લભ સ્થિતિ ક્યારેક કોઈ ખાસ લક્ષણ વિના પણ વ્યક્તિમાં વર્ષો સુધી રહી શકે છે અને અન્ય કારણસર કરવામાં આવેલી મેડિકલ તપાસ દરમિયાન તેનો ખુલાસો થઈ શકે છે.

