MPમાં ચાઈનીઝ ફાસ્ટફૂડ ખાધા પછી 118 બાળકોની તબીયત બગડી, 45 હોસ્પિટલમાં દાખલ

MPમાં ચાઈનીઝ ફાસ્ટફૂડ ખાધા પછી 118 બાળકોની તબીયત બગડી, 45 હોસ્પિટલમાં દાખલ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં મડઈ મેળા દરમિયાન ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. હિરી ગામમાં શનિવારે રાત્રે ‘હર્ષિત ફાસ્ટ ફૂડ’ નામના સ્ટોલ પરથી ચાઉમીન અને મંચુરિયન ખાધા બાદ 118 બાળકો બીમાર પડી ગયા હતા. તબિયત બગડતાં તમામને કિરનાપુરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ 45 બાળકો અને 12 પુખ્તોને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 61 બાળકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. રાત્રે એક વાગ્યા બાદ જિલ્લા હોસ્પિટલમાં દર્દીઓ પહોંચતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

45 બાળકો અને 12 પુખ્ત હોસ્પિટલમાં દાખલ

જાહેરાત

CMHO ડૉ. શત્રુઘ્ન સિંહ દાહિયાએ જણાવ્યું હતું કે તમામ દર્દીઓ હાલ ખતરાથી બહાર છે અને તેમની તબિયત સ્થિર છે. હાલ બાળ વિભાગમાં 45 બાળકો અને મેડિકલ વિભાગમાં 12 પુખ્તોની સારવાર ચાલી રહી છે. ડૉક્ટરોની ટીમ તમામ દર્દીઓ પર વિશેષ નજર રાખી રહી છે. રવિવારે સવારે કલેક્ટર આદિત્ય સિંહ અને SP મલય જૈન પણ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે બીમાર બાળકો અને તેમના પરિવારજનોની મુલાકાત લઈને તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી.

ખાદ્ય સામગ્રીના સેમ્પલ તપાસ માટે મોકલાયા

ફૂડ સેફ્ટી અધિકારી યોગેશ ડોંગરેએ જણાવ્યું હતું કે કિરનાપુર પોલીસે કાંદ્રીકલાંના રહેવાસી સ્ટોલ સંચાલક ચંદ્રકુમાર ભોંગાડેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો છે. ખાદ્ય વિભાગે સ્ટોલમાંથી નૂડલ્સ, ચાઉમીન, તેલ, મરચાં-મસાલા અને સોસ સહિતની સામગ્રીના સેમ્પલ એકત્ર કરીને લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. ચંદ્રકુમાર છેલ્લા લગભગ 12 વર્ષથી ‘હર્ષિત ફાસ્ટ ફૂડ’ના નામે મેળા અને બજારોમાં સ્ટોલ લગાવીને ચાઉમીન અને નૂડલ્સ વેચતો હતો. જોકે, તેની પાસે ફૂડ લાઇસન્સ ન હોવાનું પણ સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત