તમિલનાડુમાં સ્માર્ટ સિટી મિશન હેઠળ 10 હજાર કરોડનું કૌભાંડનો દાવો, CAGના રીપોર્ટમાં ઉલ્લેખ

દેશના કંટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) દ્વારા કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ 'સ્માર્ટ સિટી મિશન'ની તપાસમાં અનેક ગંભીર ખામીઓ અને ગેરરીતિઓ પકડી પાડવામાં આવી છે. વર્ષ 2015થી 2023 વચ્ચે હાથ ધરવામાં આવેલા આશરે 10,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રાલયના નિયમોનું ઉલ્લંઘન, સરકારી નાણાંનો દુરુપયોગ અને મંજૂરી વગર કામો કરાવી દેવા જેવા અનેક ચોંકાવનારા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ રિપોર્ટમાં ખાસ કરીને તમિલનાડુ રાજ્યના વિવિધ શહેરોમાં થયેલા કામોમાં ભારે અનિયમિતતાઓ જોવા મળી છે.
વિના મંજૂરી અને નકશા બહાર કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કરાયા
CAGના અહેવાલ મુજબ, 1,602.2 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 52 પ્રોજેક્ટ્સમાં મંત્રાલયના સ્પષ્ટ નિયમોને નેવે મૂકીને મનસ્વી રીતે ફેરફારો કરવામાં આવ્યા હતા. આ સિવાય, કોઈ પણ પ્રકારના પૂર્વ આયોજન વગર જ 623.86 કરોડ રૂપિયાના 44 પ્રોજેક્ટ્સ શરૂ કરી દેવાયા હતા.
ચોંકાવનારી વાત એ છે કે, 184.71 કરોડ રૂપિયાના 21 પ્રોજેક્ટ્સ નક્કી કરાયેલા વિસ્તારની બહાર જઈને બનાવવામાં આવ્યા હતા, જ્યારે 21.42 કરોડ રૂપિયાના 5 પ્રોજેક્ટ્સ માત્ર રોજબરોજના સામાન્ય કામો જ હતા. તમિલનાડુના તિરુનેલવેલી શહેરમાં આવી સૌથી વધુ ગેરરીતિઓ સામે આવી છે, જ્યાં 314.62 કરોડ રૂપિયાના 15 પ્રોજેક્ટ્સ કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર જ શરૂ કરી દેવાયા હતા.

