જાણો ગુજરાતના એક માત્ર મુસ્લિમ મહિલા સાંસદ વિશે, જે 50 હજારથી વધુ મતે જીત્યા હતા લોકસભા ચૂંટણી
Lok Sabha Election 2024 : ગુજરાતમાં અત્યારે તો કોઈ મુસ્લિમ ઉમેદવાર લોકસભાની ચૂંટણીમાં જીતે

Lok Sabha Election 2024 : ગુજરાતમાં અત્યારે તો કોઈ મુસ્લિમ ઉમેદવાર લોકસભાની ચૂંટણીમાં જીતે એવી કલ્પના પણ થઈ શકતી નથી. પણ ગુજરાતના રાજકારણના ઈતિહાસમાં એક એવા મહિલા મુસ્લિમ નેતા થઈ ગયા જેઓ લોકસભા ચૂંટણીમાં 50 હજારથી વધુ મતે જીત્યા હતા. ગુજરાતના આ એક માત્ર મુસ્લિમ મહિલા સાંસદ હતા.
1962ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી એક મુસ્લિમ માત્ર મહિલા લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યાં હતાં. આ મહિલા સાંસદનું નામ ઝોહરાબેન અકબરઅલી ચાવડા છે. બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલાં ઝોહરાબેન ચાવડા ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી જીતનારાં એક માત્ર મુસ્લિમ મહિલા નેતા છે. કોંગ્રેસનાં ઝોહરાબેન ચાવડાએ સ્વતંત્ર પાર્ટીના કનૈયાલાલ મહેતાને 54956 મતે હાર આપી હતી. ઝોહરાબેનને કુલ મતોમાંથી 56 ટકા કરતાં વધારે મતો મળ્યા હતા.
ઝોહરાબેન ચાવડાના પતિ અકબરઅલી પણ લોકસભાના સભ્ય રહ્યા હતા. દેશમાં પહેલી વાર લોકસભાની ચૂંટણી 1952માં થઈ ત્યારે અકબરઅલી ચાવડા બનાસકાંઠા બેઠક પરથી જ લોકસભામાં ચૂંટાયા હતા. અકબરઅલી સળંગ બે ચૂંટણીમાં એટલે કે 1952 અને 1957માં બનાસકાંઠા બેઠકના સાંસદ તરીકે ચૂંટાયા હતા.
અકબરઅલી ચાવડા લોકસભામાં ચૂંટાયા તે વખતે ગુજરાત રાજ્ય અસ્તિત્વમા નહોતું અને બનાસકાંઠા બેઠક મુંબઈ સ્ટેટમાં હતી. ગુજરાતની સ્થાપના પછી યોજાયેલી પહેલી લોકસભાની ચૂંટણીમાં ઝોહરાબેન જીત્યાં પછી ગુજરાતમાંથી કોઈ મહિલા મુસ્લિમ નેતા લોકસભાની ચૂંટણી જીતી નથી.






