હવે સ્મશાનમાં પણ ભ્રષ્ટાચાર! રાજકોટમાં મનપાએ મોકલેલા લાકડાંનો બારોબાર વહીવટ?
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગનું લાકડાં કૌભાંડ સામે આવ્યું છે. વરસાદમાં ધરાશાઈ થયેલા વૃક્ષોના લાકડાં સ્

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગનું લાકડાં કૌભાંડ સામે આવ્યું છે. વરસાદમાં ધરાશાઈ થયેલા વૃક્ષોના લાકડાં સ્મશાનમાં પહોંચાડવાને બદલે બારોબાર સગેવગે થયાનો આક્ષેપ લાગ્યો છે. ગાર્ડન શાખાએ મોકલેલા લાકડા સ્મશાન સુધી પહોંચ્યા નહીં હોવાનું સ્મશાન સંચાલકનું કહેવું છે.
વિપક્ષ નેતાએ કહ્યું- જરા તો શરમ કરો, તમારે પણ એકદિવસ મરવાનું છે
આ મુદ્દે વિપક્ષના નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું કે, મહાપાલિકાનું ભ્રષ્ટ તંત્ર આ પ્રવૃતિમાં સંડોવાયેલું હોઈ શકે છે. રસ્તામાં ભ્રષ્ટાચાર, બાંધકામમાં ભ્રષ્ટાચાર ને હવે તો સ્મશાનમાં મોકલવાના લાકડામાં પણ ભ્રષ્ટાચાર. ગરીબમાં ગરીબ માણસ પણ સ્મશાનનું ખાતો નથી પરંતુ આ ભ્રષ્ટ તંત્ર સ્મશાનને પણ છોડવા તૈયાર નથી. તેમજ ભ્રષ્ટાચારીઓને કહ્યું કે, જરાક તો શરમ કરો, તમારે પણ એક દિવસ મરવાનું છે.
ગાર્ડન શાખાની ટીમ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે - ડે. મ્યુ. કમિશનર
ગાર્ડન શાખાએ શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર સગેવગે થયાના આરોપ પર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરની પ્રતિક્રિયા પણ સામે આવી છે. મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે, સ્મશાનમાં લાકડા પહોંચ્યા ન હોવાનું સામે આવતા તપાસના આદેશ આપ્યા છે. લાકડા પહોંચાડનાર એજન્સીઓના પેમેન્ટ અટકાવી દેવામાં આવશે. ગાર્ડન શાખાની ટીમ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે. સોમનાથ અને જય કન્ટ્રક્શન સામે તપાસ કરાશે. લાકડા ક્યાં લઈ જવાયા હતા, એ બાબતે તપાસ કરાશે. કેટલી પહોંચ બનાવવામાં આવી તેની પણ તપાસ કરવામાં આવશે. જો કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો દંડ ફટકારવા સહિત કડક પગલાં લેવાની ખાતરી આપી હતી.








