મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉગ્ર આંદોલનની ચીમકીઃ 3 તાલુકાની બનાસકાંઠામાં રહેવાની માંગ, વાવ-થરાદમાં સમાવાતા વિરોધ શરુ

BANASKANTHA NEWS: બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતા વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે. આજ

ઉગ્ર આંદોલનની ચીમકીઃ 3 તાલુકાની બનાસકાંઠામાં રહેવાની માંગ, વાવ-થરાદમાં સમાવાતા વિરોધ શરુ

BANASKANTHA NEWS: બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતા વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે. આજે દિયોદર શહેરમાં સ્વયંભૂ બંધ પળાયો છે. દિયોદરના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે. મહત્ત્વનું છે કે, વર્ષ 2018થી જ દિયોદરને જિલ્લો બનાવા માટે માંગ કરાઈ રહી હતી, ત્યારે દિયોદરને જિલ્લો જાહેર ન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, સરકાર થરાદના બદલે દિયોદરને જિલ્લો જાહેર નહીં કરે તો આવનાર સમયમાં વિરોધ કરવાની પણ સ્થાનિકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સરકાર નિર્ણય પાછો નહીં ખેંચે તો આંદોલનની ચીમકી

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકોએ બનાસકાંઠામાં જોડાવાનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલ સહિતના અગ્રણીઓએ પણ તેમના તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માગ કરી છે. એટલું જ નહીં, સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. 

બનાસકાંઠામાં રહેવાની ત્રણ તાલુકાની માંગ

બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરા-કાંકરેજ અને દિયોદરનો વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે આ તાલુકાના રહેવાસીઓએ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. શિહોરીમાં દુકાનદારોએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાળ્યો છે. વિભાજનનો વિવાદ વકરતો જાય છે, લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. 

ધાનેરાવાસીઓ માટે થરાદ અનુકૂળ વિસ્તાર નથી

ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે વિરોધ વ્યક્ત કરતાં કહ્યું કે, ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. ધાનેરાવાસીઓ માટે થરાદ અનુકૂળ વિસ્તાર નથી. જો ભવિષ્યમાં લોકો સરકારના આ નિર્ણયના વિરોધમાં આંદોલન કરશે તો કોંગ્રેસ તેમની સાથે ઊભી રહેશે. 

વાવ-થરાદમાં આ 8 તાલુકાનો સમાવેશ

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપતાં કહ્યું હતું કે, હાલ આ જિલ્લાના 14 તાલુકામાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકા તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.

બનાસકાંઠામાં આ 6 તાલુકાનો સમાવેશ 

બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકા પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકા તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.     

ગુજરાતમાં હવે કુલ 34 જિલ્લાઓ

જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા નવ મહાનગરપાલિકાની સાથે એક નવા જિલ્લાની પણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠાના વિભાજનની સાથે જ વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરાયો છે. વાવ-થરાદમાં સમાવેશ કરીને નવો જિલ્લો જાહેર કરાયો છે. આ નવા જિલ્લાનું વડું મથક થરાદ રહેશે. ત્યારે હવે ગુજરાતમાં 33 નહીં કુલ 34 જિલ્લા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં હવે કુલ 34 જિલ્લા, 17 મહાનગરપાલિકા અને નપાની સંખ્યા 149, વિગતવાર વાંચો આખું લિસ્ટ

 
ક્રમ જિલ્લો મુખ્ય શહેરર
1 અમદાવાદ અમદાવાદ
2 અમરેલી અમરેલી
3 આણંદ આણંદ
4 અરવલ્લી મોડાસા
5 બનાસકાંઠા પાલનપુર
6 ભરૂચ ભરૂચ
7 ભાવનગર ભાવનગર
8 બોટાદ બોટાદ
9 છોટા ઉદેપુર છોટા ઉદેપુર
10 દાહોદ દાહોદ
11 ડાંગ આહવા
12 દેવભૂમિ દ્વારકા ખંભાળિયા
13 ગાંધીનગર ગાંધીનગર
14 ગીર સોમનાથ વેરાવળ
15 જામનગર જામનગર
16 જૂનાગઢ જૂનાગઢ
17 ખેડા નડિયાદ
18 કચ્છ ભુજ
19 મહીસાગર લુણાવાડા
20 મહેસાણા મહેસાણા
21 મોરબી મોરબી
22 નર્મદા રાજપીપળા
23 નવસારી નવસારી
24 પંચમહાલ ગોધરા
25 પાટણ પાટણ
26 પોરબંદર પોરબંદર
27 રાજકોટ રાજકોટ
28 સાબરકાંઠા હિંમતનગર
29 સુરત સુરત
30 સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર
31 તાપી વ્યારા
32 વડોદરા વડોદરા
33 વલસાડ વલસાડ
34 વાવ-થરાદ થરાદ

આ સમાચાર શેર કરો