Video: અમદાવાદ: દિવાળીની સફાઈ ટાણે જ મનપા દ્વારા પાણી કાપ, શહેરના ૫ ઝોનમાં ૨૫ ઓક્ટોબરે ઓછું પાણી આવશે

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને ગૃહિણીઓ ઘરની સાફ-સફાઈમાં વ્યસ્ત છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાણી કાપની જાહેરાત કરવામાં આવતા નાગરિકોની ચિંતામાં વધારો થયો છે. કોતરપુર વોટર વર્ક્સને પાણી પૂરું પાડતી નર્મદાની મુખ્ય નહેરમાં વોટર લેવલમાં વઘઘટ થવાના કારણે પૂરતા પ્રમાણમાં રો-વોટર ઉપલબ્ધ થઈ શકશે નહીં. આ પરિસ્થિતિને કારણે ૨૫ ઓક્ટોબરે અમદાવાદ શહેરના મધ્ય, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ એમ કુલ પાંચ ઝોનમાં પાણી પુરવઠામાં ઘટાડો રહેશે. તહેવારોના સમયે જ પાણીનો કાપ જાહેર થતાં ગૃહિણીઓ માટે સફાઈકામ અને ઘરકામ કરવું મુશ્કેલ બનશે, જેનાથી લોકોમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંબંધિત પાંચેય ઝોનના નાગરિકોને પાણીનો વિવેકપૂર્વક અને કરકસરથી ઉપયોગ કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.





