VIDEO: ગીરના સિંહો અને જંગલના અસ્તિત્વને લઈ ચિંતાજનક સ્થિતિ, વન્યજીવ પ્રેમીઓમાં રોષ
ગીરમાં સિંહોની સંખ્યા વધી હોવાની પીઠ થાબડતી સરકાર માટે આ અરીસો બત

ગીરમાં સિંહોની સંખ્યા વધી હોવાની પીઠ થાબડતી સરકાર માટે આ અરીસો બતાવતો સમય છે. ગીરના રાજા એવા એશિયાટિક સિંહો અને ગીરના જંગલના અસ્તિત્વને લઈને જૂનાગઢની ભવનાથ તળેટીમાંથી એક બહુ જ મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ગીર અને સિંહને બચાવવા માટે આજે વન્યજીવ ક્ષેત્રે કામ કરતી ગુજરાતભરની જાણીતી સંસ્થાઓ અને નિષ્ણાંતોનું એક મહાસંમેલન યોજાયું. આ સંમેલનમાં સરકારની આંખ ઉઘાડનારા એવા ચોંકાવનારા આંકડા અને હકીકતો રજૂ કરવામાં આવ્યા છે, જે સાંભળીને વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મહાસંમેલનમાં રજૂ થયેલા સત્તાવાર આંકડા મુજબ, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષમાં એક ઇંચ જેટલો પણ જંગલ વિસ્તાર વધારી શકાયો નથી! આનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે, જંગલની જમીનને નોન-ફોરેસ્ટ એટલે કે અન્ય ઉદ્યોગો કે હેતુઓ માટે ડાયવર્ટ કરવા માટે અધધ ૧૫૬૦ દરખાસ્તો થઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આખા ભારતમાં થતી કુલ દરખાસ્તોના ૧૫ ટકા દરખાસ્તો માત્ર એકલા ગુજરાતમાંથી થઈ છે, જે દેશમાં સૌથી વધુ છે. તેવુ ખુદ મુખ્યમંત્રી જેના અધ્યક્ષ હોય છે તે સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના સભ્ય અને વકીલ રોહિત કુમાર વ્યાસે જણાવ્યું છે.
ખાસ કરીને ગીરની કિંમતી જમીનો ખાનગી કંપનીઓને માઇનિંગ માટે સોંપવાનો મુદ્દો, લોકસાહિત્યકાર રાજભા ગઢવીને માલધારી તરીકે મંજૂરી આપવાનો વિવાદ, અને ગીરની સરહદની ફરતે ફાટી નીકળેલા ગેરકાયદેસર રિસોર્ટના રાફડા સામે એનજીઓ આગેવાનોએ લાલઆંખ કરી છે. ત્યારે સવાલ એ થાય છે કે શું સરકાર માત્ર સિંહોની વસ્તી ગણતરીના આંકડા બતાવીને ગૌરવ લેતી રહેશે કે પછી સિંહોના અસલી ઘર એવા ગીરના જંગલને બચાવવા માટે કોઈ નક્કર પગલાં ભરશે? આ સંમેલનમાં સરકારી તંત્ર અને વન વિભાગની સાંઠગાંઠ સામે પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.






