VIDEO: શહેરકોટડા હિંસા: વંદે માતરમ્ પાર્ટી પ્લોટમાં લગ્નના ફેરા વખતે જ પથ્થરમારો, અત્યાર સુધીમાં 11 ઝડપાયા
VIDEO: અમદાવાદ શહેરના શહેરકોટડા પોલીસ સ


VIDEO: અમદાવાદ શહેરના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વંદે માતરમ્ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન DJ વગાડવા જેવી સામાન્ય બાબતે થયેલી મોટી માથાકૂટ અને પથ્થરમારાના કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે આ મામલે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેની સાથે આ કેસમાં પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા 11 પર પહોંચી છે.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં વોરાના રોજા પાસે આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટમાં લગ્નની વિધિ ચાલી રહી હતી. એક તરફ મંડપમાં ચાર ફેરા ફરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ DJ અને લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા મુદ્દે સ્થાનિકો અને જાનૈયાઓ વચ્ચે વિવાદ થયો હતો. રમઝાન માસ ચાલતો હોવાથી રાત્રે મોડે સુધી જોરથી વગાડવામાં આવતા DJ સામે વિરોધ કરતા મામલો બિચક્યો હતો.
પોલીસના ગયા બાદ ફરી શરૂ થઈ હિંસા
સ્થાનિક લોકોએ 112 પર કોલ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને DJ બંધ કરાવ્યું હતું. જોકે, પોલીસના ગયા બાદ અસામાજિક તત્વોએ પથ્થરો અને ડંડાઓ સાથે લગ્ન પ્રસંગમાં પ્રવેશ કરી તોડફોડ અને પથ્થરમારો શરૂ કર્યો હતો. આ હિંસામાં વાહનોના કાચ તોડવામાં આવ્યા હતા અને મંડપમાં હાજર મહેમાનોમાં નાસભાગ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
પોલીસ કાર્યવાહી અને ધરપકડ
શહેરકોટડા પોલીસે બંને પક્ષો વિરુદ્ધ રાયોટિંગ અને મારામારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અગાઉ એક સગીર સહિત 7 આરોપીઓ પકડાયા હતા, જેમાં મોહમદ શાકિર શેખ અને તેના પુત્ર સહિતના શખ્સો સામેલ હતા. આજે વધુ 4 આરોપીઓ - સોહિલ ઉર્ફે જમાઈ રાઠોડ, બદરુદ્દીન અન્સારી, મોસીનખાન અને અબ્દુલ મજીદની ધરપકડ કરવામાં આવી છે.




