VIDEO: ભાવનગરમાં PM-eBus સેવાનો ફિયાસ્કો: લોકાર્પણના માત્ર 36 કલાકમાં જ ઈ-બસ અધવચ્ચે ખોટકાઈ, મુસાફરો રઝળ્યા
ભાવનગર શહેરમાં પર્યાવરણને અનુ
ભાવનગર શહેરમાં પર્યાવરણને અનુકૂળ પરિવહન સેવા આપવાના દાવાઓ સાથે શરૂ થયેલી 'PM-eBus' સેવાનો પ્રારંભિક તબક્કામાં જ ફિયાસ્કો જોવા મળ્યો છે. વડાપ્રધાન દ્વારા માત્ર બે દિવસ પહેલા જે બસ સેવાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તે બસ આજે ચાર્જિંગ ખૂટી જવાને કારણે શહેરના ભરચક વિસ્તારમાં અધવચ્ચે બંધ પડી હતી.
દોઢ દિવસમાં જ ટેક્નોલૉજીએ દગો દીધો
ભાવનગરના અકવાડાથી ઘોઘા સર્કલ, ક્રેસન્ટ સર્કલ થઈને તળાવ તરફ જતી ઈ-સીટી બસમાં અચાનક બેટરી લો થઈ ગઈ હતી. ક્રેસન્ટ સર્કલ નજીક પહોંચતા જ બસમાં ચાર્જિંગ પૂરું થઈ જતા બસ રોડની વચ્ચે જ અટકી પડી હતી. દોઢ દિવસ પહેલા જ શરૂ થયેલી આ આધુનિક સેવાની આવી હાલત જોઈને લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.
મુસાફરો રજળી પડ્યાં
બસ અચાનક બંધ પડી જવાથી તેમાં સવાર મુસાફરો અધવચ્ચે જ અટવાઈ ગયા હતા. ટ્રાફિકથી ધમધમતા ક્રેસન્ટ સર્કલ પાસે બસ ઉભી રહી જતા અન્ય વાહનચાલકોને પણ મુશ્કેલી પડી હતી. મુસાફરોએ આક્ષેપ કર્યો હતો કે જો બસનું ચાર્જિંગ પૂરું થઈ જવાનું હતું, તો તંત્રએ પૂરતી તૈયારી કેમ નહોતી કરી? લાખોના ખર્ચે શરૂ થયેલી આ યોજનામાં મેનેજમેન્ટનો અભાવ પહેલા જ દિવસે છતો થયો છે.




