VIDEO: રાજ્યના વિવિધ શહેરોમાં પેટ્રોલ પંપ પર લાઈનો જોવા મળી હતી, વાહનોની ટાંકીઓ ફૂલ કરવા માટે ભારે ધસારો
મીડલ ઈસ્ટમાં ચાલી રહે

મીડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના પડઘા હવે ગુજરાતમાં અનુભવાઈ રહ્યા છે.રાજ્યમાં ઈંધણની અછતની વચ્ચે વિવિધ શહેરના પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી હતી,. અમદાવાદ, વડોદરા, સુરત, દાહોદ, અમરેલી, લાવરકુંડલા સહિતના વિવિધ શહેરોમાં પેટ્રોલ પંપ પર લાંબી કતાર જોવા મળી હતી. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવાને પગલે સતત બીજા દિવસે પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. શાહીબાગ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા છે, જ્યાં લાઈનો મુખ્ય રોડ સુધી પહોંચી ગઈ છે. અનેક પંપોએ ઓનલાઈન પેમેન્ટ લેવાનું બંધ કરી માત્ર રોકડનો આગ્રહ રાખતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે.
અમરેલી સાવર કુંડલામાં પણ લાઈનો
અમરેલી અને સાવરકુંડલામાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવા ફેલાતા પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો અફવાને પગલે ગભરાટમાં આવી રાત્રિના સમયે જ કાર અને બાઇક લઈને પંપ પર ઉમટી પડ્યા છે. ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરના મુખ્ય પંપો પર ભારે ઘસારો જોવા મળ્યો છે. જોકે, તંત્ર અને સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે કે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, છતાં લોકોમાં ફફડાટ યથાવત છે અને પંપો પર લાઈનો ઘટવાનું નામ નથી લઈ રહી.દાહોદ શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછત
દાહોદ શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની વાતો વહેતી થતા વાહનચાલકોમાં ભારે દોડધામ મચી છે. શહેરના ભગીની સમાજ, માણેકચોક, ગરબાડા ચોકડી અને ગોધરા રોડ જેવા વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો અછતના ડરથી વહેલી સવારથી જ પંપ પર ઉમટી પડ્યા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ છે.વડોદરામાં ઈંધણની અછતની અફવા વચ્ચે સ્થિતિ તંગ બની
વડોદરામાં ઈંધણની અછતની અફવા વચ્ચે સ્થિતિ તંગ બની છે. શહેરના ફતેહગંજ વિસ્તારમાં એક જાણીતા નેતાના પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભા રહેવા બાબતે વાહનચાલકો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. કલાકો સુધી રાહ જોયા બાદ લોકો પોતાનો સંયમ ગુમાવી રહ્યા છે, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.બારડોલીમાં પર લાંબી કતારો જોવા મળી
સુરત જિલ્લાના બારડોલી પંથકમાં પેટ્રોલની અછત હોવાની ચર્ચાને પગલે વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. મોડી રાત્રે બારડોલી નગરના વિવિધ પેટ્રોલ પંપો પર બાઇક અને કારની લાંબી કતારો જોવા મળી હતી. પેટ્રોલ નહીં મળે તેવી દહેશતને કારણે લોકોમાં ભારે દોડધામ મચી છે.પંચમહાલ - યુદ્ધને કારણે પેટ્રોલની અછતની વાત વહેતી થતાં હાલોલમાં પણ પેટ્રોલ પંપ ઉપર ભારે ભીડ જામી હતી. મોડી રાત સુધી પેટ્રોલ પંપ ઉપર વાહનોની કતાર જોવા મળતી હતી. પેટ્રોલ પૂરાવવાની લ્હાયમાં જામેલી ભીડમાં લોકો વચ્ચે મારામારી અને ઝપાઝપીના બનાવ પણ બન્યા હતા. પેટ્રોલ પુરાવવા કલાકો સુધી ઉભેલા લોકોમાં ઝપાઝપી સર્જાતા પેટ્રોલ પંપો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવાની જરૂર પડી હતી.



