VIDEO: મોરબીમાં ગોઝારો અકસ્માત, જેતપર-રાપર રોડ પર કાર નાળામાં ખાબકી, 2 યુવાનોના મોત
VIDEO: મોરબી જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. જેતપર-


VIDEO: મોરબી જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. જેતપર-રાપર રોડ પર આજે એક કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે, જેમાં એક કાર પલટી મારીને પાણી ભરેલા નાળામાં ખાબકતા મોરબીના મહેન્દ્રનગર વિસ્તારના બે યુવાનોના અકાળે મોત નીપજ્યા છે.
જાણો આખો મામલો
મળતી માહિતી મુજબ, મોરબીના મહેન્દ્રનગરના રહેવાસી નિલેશ કાનાણી (ઉં.વ. 34) અને ભીખાલાલ દલસાણીયા (ઉં.વ. 30) પોતાની કાર લઈને જેતપર-રાપર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ચાલકે કાર પરથી કાબૂ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં આવેલા પાણી ભરેલા નાળામાં પલટી મારી ગઈ હતી. કાર પલટી જતાં બંને યુવાનો અંદર ફસાઈ ગયા હતા.
લોકોની તાબડતોબ મદદ બેકાર ગઈ
અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ બંને યુવાનોને કારમાંથી બહાર કાઢ્યા હતા અને સારવાર માટે જેતપરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરજ પરના તબીબોએ બંને યુવાનોને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પીએમ માટે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે મહેન્દ્રનગર ગામ અને મૃતક યુવાનોના પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.




