VIDEO: લાખણીમાં આદિશ્વર કોમ્પ્લેક્ષમાં ભભૂકી આગ! શોર્ટ સર્કિટથી બીજી દુકાનો ઝપટમાં, ફાયર ફાઈટરોએ મેળવ્યો કાબૂ
VIDEO: બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકમાં આવેલા લાખણી ગામમાં આજે એક ગંભીર આગની ઘટના સામે આવી હતી. લાખણીના સૌથી વ્યસ્ત ગણાતા વિસ્તારમાં આવેલા 'આદિશ્વર કોમ્પ્લેક્ષ'માં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાને પગલે કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનોના વેપારીઓ અને આજુબાજુના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
આગનું કારણ અને ઘટનાક્રમ
પ્રાથમિક અનુમાન મુજબ, કોમ્પ્લેક્ષમાં સૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આધુનિક ટેક્નોલૉજીના યુગમાં આ ઘટનાના વીડિયો મિનિટોમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા, જેનાથી સમગ્ર જિલ્લામાં આ સમાચાર ફેલાઈ ગયા હતા.
તંત્રની કામગીરી
આગની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવા અને કાબૂમાં લેવાના મહત્ત્વના પ્રયાસો હાથ ધર્યા હતા. સદનસીબે, સમયસર કામગીરી થતા આગ પર કાબૂ મેળવી શકાયો હતો અને કોઈ મોટી જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી, પરંતુ માલસામાનને ભારે નુકસાન થયું હોવાની ભીતિ છે.
લોકોના ટોળાને વિખેરવા અને પરિસ્થિતિ પર નજર રાખવા માટે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આગને કારણે આજુબાજુના વેપારીઓએ સાવચેતીના ભાગરૂપે પોતાની દુકાનોમાંથી માલસામાન બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું. તંત્રની સતર્કતા તેમજ ભારે જહેમતથી મોટી દુર્ઘટના ટાળી હતી.

