મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાવ પેટાચૂંટણીઃ ગેનીબેનનો ગઢ તોડવા ભાજપનું છેલ્લી ઘડીએ એડીચોટીનું જોર, બનાવ્યો આ માસ્ટર પ્લાન!

બનાસકાંઠાની વાવ બેઠક પર રસાકસીભર્યો ત્રિપાંખિયો ચૂંટણી જંગ યોજાવા જઇ રહ્યો છે. 13 નવેમ્

વાવ પેટાચૂંટણીઃ ગેનીબેનનો ગઢ તોડવા ભાજપનું છેલ્લી ઘડીએ એડીચોટીનું જોર, બનાવ્યો આ માસ્ટર પ્લાન!

બનાસકાંઠાની વાવ બેઠક પર રસાકસીભર્યો ત્રિપાંખિયો ચૂંટણી જંગ યોજાવા જઇ રહ્યો છે. 13 નવેમ્બરે વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. મતદારોને રિઝવવા માટે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત અપક્ષ ઉમેદવારે છેલ્લી ઘડીના પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત ભાજપે ચારેક કેબિનેટ મંત્રીઓને પેટા ચૂંટણીની જવાબદારી સોપી છે. બીજી તરફ કોંગ્રેસે પણ વર્તમાન-પૂર્વ ધારાસભ્યોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. વાવ બેઠક જીતવા માટે બન્ને રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે.

વાવ બેઠક ભાજપ-કોંગ્રેસ માટે બન્યો પ્રતિષ્ઠાનો સવાલ

વાવ બેઠકમાં યોજાઇ રહેલી પેટાચૂંટણી ભાજપ,કોંગ્રેસ માટે રાજકીય પ્રતિષ્ઠાનો સવાલ બન્યો છે.લોકસભાની ચૂંટણીમાં બાનસકાંઠા બેઠક ગુમાવ્યા બાદ ભાજપ માટે આ બેઠક જીતવી અત્યંત જરૂરી છે. ગેનીબેન ઠાકોરનું રાજકીય ગ્રાફ નીચે ઉતારવા માટે ભાજપ માટે આ રાજકીય તક છે. આ જોતાં ભાજપ શામ,દામ,દંડ ભેદની નીતિ અપનાવી કોઇપણ ભોગે વાવ બેઠક જીતવા માંગે છે જેના ભાગરુપે ભાજપે મંત્રી બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરિયા, કુંવરજી બાવળિયા ઉપરાંત બચુ ખાબડને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ વાવમાં અંડિગા જમાવ્યાં છે. 

કોંગ્રેસે 50થી વધુ નેતા-પદાધિકારીઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા

બીજી તરફ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ગુરુવારથી વાવમાં ચૂંટણી પ્રચારમાં સામેલ થશે. કોંગ્રેસે પણ 12 વર્તમાન ધારાસભ્ય ઉપરાંત 50થી વઘુ પૂર્વ ધારાસભ્ય-નેતા,સંગઠનના પદાધિકારીઓને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. વાવમાં સામાજીક સમીકરણ આધારે જવાબદારી સોંપી છે.

આ પણ વાંચો: VIDEO/ કમળનો કકળાટઃ 'ટિકિટ વખતે કાર્યકરોને મળવાનો સમય નહોતો, હવે ઘરે-ઘરે ભટકે છે'-ગેનીબેનના પ્રહાર

મહત્ત્વની વાત એ છે કે, ભાજપના બળવખોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ કોને નુકસાન પહોચાડશે તેના પર આખીય પેટાચૂંટણીની હાર-જીતનો આધાર છે. નોધનીય છે કે, વાવ બેઠક પર 30 ટકા ઠાકોર, 30 ટકા પટેલ-ચૌધરી, 12 ટકા દલિત, 9 ટકા બ્રાહ્મણ-રબારી મતદારો છે.  આમ, દિવાળી પૂર્ણ થતાં જ મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓએ વાવમાં અંડિગા જમાવ્યાં છે. પૂરજોશમાં ચૂંટણી પ્રચાર જામ્યો છે. હવે કોણ બાજી મારશે તે તો પરિણામ બાદ જ ખબર પડશે. 23 નવેમ્બરે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની સાથે જ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

આ સમાચાર શેર કરો