VIDEO: Valsad નગરપાલિકાની ઘોર બેદરકારી; જૂના શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી
વલસાડ શહેરમાં નગરપાલિકાની હદમાં આવેલી જર્જરિત મિલકતો ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે છે, તેનો વધુ એક પુરાવો આજે જોવા મળ્યો હતો. શહેરમાં આવેલા પાલિકાના જૂના શોપિંગ સેન્ટરનો સ્લેબ અચાનક ધરાશાયી થતા આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે.
છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં રહેલા આ શોપિંગ સેન્ટરનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. સ્લેબનો કાટમાળ નીચે પાર્ક કરેલા મોપેડ બાઈક પર પડતા ભારે નુકસાન થયું હતું. ઘટનાને પગલે શોપિંગ સેન્ટરના વેપારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. વલસાડમાં અનેક જર્જરિત બિલ્ડિંગો છે અને પાલિકા આવી બિલ્ડિંગોને માત્ર નોટિસ ફટકારીને પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. ત્યારે બાબતે નગરપાલિકાની કાર્યશૈલી સામે સવાલો ઉઠી રહ્યા છે.

