Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Rain in 42 talukas in last 6 hours in Gujarat, 5 inches in Vapi

VIDEO: ગુજરાતમાં છેલ્લા 6 કલાકમાં 42 તાલુકામાં વરસાદ, વાપીમાં 5 ઈંચ ખાબક્યો

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. મેઘરાજાની વર્તમાન ઇનિંગમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો મોખરે રહ્યા છે. વલસાડના વાપીમાં આજે સવારના 6 વાગ્યાથી 12 વાગ્યાના 6 કલાકના સમયગાળામાં જ પોણા પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.  નવસારીમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.  જ્યારે ઉમરગામમાં 2.95, પારડીમાં 1.73 અને વલસાડ શહેરમાં 1.46 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે છોટા ઉદેપુરના કાવંતમાં 2.20 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

App Store

image.png

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 65 તાલુકાઓમાં નોંધપાત્ર મેઘમહેર જોવા મળી હતી. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના નવસારીમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જોકે હવામાન વિભાગના તાજા બુલેટિન અનુસાર, આગામી પાંચ દિવસ માટે ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ‘થંડરસ્ટોર્મ ચેતવણી’ જાહેર કરવામાં આવી છે, જેને પગલે તમામ સ્થાનિક વહીવટી તંત્રોને એલર્ટ પર રહેવા સૂચના આપી દેવાઈ છે. આજના હવામાન વિભાગના આંકડાઓ અનુસાર વલસાડ જિલ્લા પર મેઘરાજા સૌથી વધુ મહેરબાન જોવા મળ્યા છે.

એકસાથે 4 પાવરફુલ સિસ્ટમ સક્રિય થતાં થશે ભારે વહેણ

ચાલુ વર્ષે જૂન મહિનામાં વરસાદનો આંકડો ઘણો ચિંતાજનક રહ્યો હતો. જૂનમાં સામાન્ય 110.8 મીમી સામે માત્ર 19.9 મીમી વરસાદ નોંધાયો હતો. જે સરેરાશ કરતાં 82 ટકા જેટલી મોટી ઘટ દર્શાવે છે. જોકે, જુલાઈની શરૂઆત થતાં જ આ ખાધ ખૂબ જ ઝડપથી ભરાઈ જાય તેવા મજબૂત સંકેતો મળી રહ્યા છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, હાલમાં એકસાથે ચાર મોટી પ્રણાલીઓ સક્રિય થઈ છે. જેમાં મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી એક ઓફશોર ટ્રફ અને મધ્યપ્રદેશથી કોંકણ-ગોવા સુધી અન્ય એક ટ્રફ લાઈન સક્રિય છે. આ ઉપરાંત, બીજી જુલાઈના રોજ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને ત્રીજી જુલાઈએ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ આકાર લેશે. આ ચારેય સિસ્ટમના કારણે પૂર્વીય અને પશ્ચિમી પવનો ભેગા થશે, જે આગામી સાત દિવસ સુધી ગુજરાતને ધમરોળશે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ભારે બેટિંગ

મેઘરાજાની વર્તમાન ઇનિંગમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો મોખરે રહ્યા છે. નવસારીના જલાલપોર અને ચીખલીમાં મુશળધાર વરસાદ વરસી ગયો છે. આ સિવાય અમરેલીના સાવરકુંડલા, વલસાડના ધરમપુર અને નાનાપોંઢા તેમજ સુરત શહેર સહિત કામરેજ, પલસાણા, મહુવા, અંબિકા, બારડોલી, ઓલપાડ અને ચોર્યાસી તાલુકાઓમાં 1 ઇંચથી વધુ પાણી ભરાયું છે. મધ્ય અને અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ખેડાના વાસો, ડાંગના વઘઈ, ગીર સોમનાથના ઉના અને તાપીના વાલોડમાં પણ સારો એવો વરસાદ નોંધાતા ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં હજુ પણ વરસાદનું જોર વધવાની પૂરેપૂરી સંભાવના છે.