વલસાડની 3 નગરપાલિકાના પરિણામ, પારડીમાં ભાજપની વિજય સાથે શરૂઆત

વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકા તેમજ ઉમરગામ તાલુકા પંચાયતની ફણસા- સરીગામ તેમજ કપરાડા તાલુકા પંચાયતની ઘોટણ બેઠક માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું. રવિવારે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધીમાં જિલ્લાની 3 પાલિકામાં 57.52 ટકા અને તાલુકા પંચાયતની 3 બેઠકો પર 54.49 ટકા મતદાન થયું હતું. શરૂઆતના પરિણામમાં પારડી નગરપાલિકાના વોર્ડ 1માં ભાજપની પેનલના 4 ઉમેદવારનો વિજય થયો હતો. કુલ 28માંથી 5 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.
વલસાડ નગરપાલિકા
વલસાડ પાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકમાંથી 7 બેઠકો અગાઉથી જ બિનહરીફ થતાં આજે 37 બેઠક પર 100 મતદાન મથક પર મતદાન થયું હતું. નોંધાયેલા 90,034 મતદારમાંથી 48,059 મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં 55.21 ટકા પુરૂષ મતદાર અને 51.53 ટકા મહિલા મતદારે મતદાન કર્યું હતું. આમ, વલસાડ પાલિકામાં સવારે 7થી 6 સુધી 53.38 ટકા મતદાન નોંધાયું હતું.
પારડી નગરપાલિકા
પારડી પાલિકામાં કુલ 7 વોર્ડની 28 બેઠકમાંથી એક બેઠક અગાઉ બિનહરીફ થતા આજે 27 બેઠક માટે 32 મતદાન મથકો પર મતદાન થયું હતું. નોંધાયેલા કુલ 24,149 મતદારમાંથી 15,576 મતદારે મતાધિકારનો ઉપયોગ કરતાં સાંજે 6 વાગ્યા સુધીમાં 64.50 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં 66.56 ટકા પુરુષ અને 62.48 ટકા મહિલા મતદારોએ મતદાન કર્યું હતું.
ધરમપુરની સ્થિતિ
ધરમપુર પાલિકામાં કુલ 6 વોર્ડની તમામ 24 બેઠક પર મતદાન થયું હતું. નોંધાયેલા કુલ 20,654 મતદારમાંથી 13,922 મતદારે સાંજે 6 વાગ્યા સુધી મતદાન કર્યું હતું. જેમાં 70.17 ટકા પુરુષ અને 64.72 ટકા મહિલાએ મતદાન કરતા કુલ ટકાવારી 67.41 ટકા થઈ હતી.

