Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Hit and run on Vapi's Balitha Highway

VIDEO: Valsad / વાપીના બલીઠા હાઈવે પર હિટ એન્ડ રન; અકસ્માત બાદ મૃતદેહ પરથી 20 મિનિટ સુધી પસાર થતા રહ્યાં વાહનો

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા વાપીના બલીઠા હાઈવે પર શનિવારે રાત્રે એક એવી ઘટના બની જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. એક અજાણ્યા રાહદારીનું અકસ્માતમાં મોત થયા બાદ પણ રસ્તા પર પડેલા તેના દેહ પરથી અનેક વાહનો પસાર થતા રહ્યા, પરંતુ કોઈએ માનવતા દાખવી વાહન થોભાવવાની તસ્દી લીધી નહીં. ભલભલા પથ્થર દિલના માનવીના રૂંવાડા ઉભા કરી દે તેવા આ દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

App Store

મોતનો 20 મિનિટનો ખેલ

પ્રાપ્ત વિગતો અનુસાર, ગઇકાલે શનિવારે રાત્રે બલીઠા હાઈવે પર પૂરઝડપે દોડી રહેલા એક અજાણ્યા વાહને રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, રાહદારી ફંગોળાઇને સીધો ડિવાઈડરની દીવાલ પર પટકાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

દુર્ઘટના અહીં જ અટકી નહોતી. પ્રાથમિક અકસ્માત બાદ અન્ય એક અજાણ્યા વાહને ફરીથી આ રાહદારીને અડફટે લેતા તેનો મૃતદેહ રોડની વચ્ચે આવી પડ્યો હતો. ત્યારબાદ લગભગ 20 મિનિટ સુધી હાઈવે પરથી પસાર થતા અનેક વાહનો આ મૃતદેહ પરથી પસાર થઈ ગયા હતા. રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડેલા દેહને જોઈને પણ કોઇ વાહનચાલકે માનવતા દાખવી નહોતી. જે માનવતા પર મોટા સવાલ ઉભા કરે છે.

CCTVમાં કેદ થઈ ક્રૂરતા

હિટ એન્ડ રનની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પછી એક વાહનો પસાર થઈ રહ્યા છે અને અકસ્માત સર્જનાર ચાલક પણ ફરાર થઈ ગયો છે. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી.

પોલીસ તપાસ તેજ

ઘટનાની જાણ થતા જ વાપી ટાઉન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રસ્તા પરથી મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ચલા સીએચસી (CHC) ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા વાહનચાલકોની શોધખોળ શરૂ કરી છે. હાઈવે પર બનેલી આ ઘટનાએ સુરક્ષા અને લોકોની સંવેદનહીનતા સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.