VIDEO: વલસાડમાં મધુબન ડેમમાંથી 1.28 લાખ ક્યૂસેક પાણી દમણગંગામાં છોડાયું, નદી કિનારાના ગામોને કરાયું એલર્ટ
વલસાડ જિલ્લામાં મંગળવારે સાંજે 4 થી બુધવારે સવારે 6 વાગ્યા સુધી અઢી ઇંચ વરસાદ નોંધાયો. કપરાડામાં સાડા આઠ ઇંચ સાથે જળબંબાકાર થયો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. મધુબન ડેમના 8 દરવાજા 4 મીટર ખોલી 1લાખ 28 હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું, જેથી નદી બે કાંઠે વહેતી થઈ. તંત્રએ લોકોને નદી કિનારેથી દૂર રહેવા અપીલ કરી છે.
હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે છેલ્લા ચાર કલાક એટલે કે સવારના 6 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 1.26 ઈંચ નોંધાયો હતો. જ્યારે વલસાડના જ નાનાપોંધામાં જ 1.14 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગ, નવસારી અને સુરતના ઉમરપાડામાં અડધાથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ગઇકાલે સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં નોંધાયો હતો. જ્યાં છેલ્લા 24 કલાકના આંકડા પ્રમાણે પલસાણા તાલુકામાં કુલ 18.19 ઈંચ, તો કામરેજમાં 17.4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે બાદ નવસારીમાં 15.28 ઇંચ તો સુરત શહેરમાં 14.09 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

