'અધિકારીઓના પાપે જ આ અગ્નિકાંડ થયો, રાજકોટ મનપાએ ભૂલ સ્વીકારવી જોઇએ'- વજુભાઇ વાળા
રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક 32ને સ્પર્શી ગયો છે. આ દૂર્ઘટનાને લઇને ભા

રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક 32ને સ્પર્શી ગયો છે. આ દૂર્ઘટનાને લઇને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇ વાળાએ દુ:ખ વ્યક્ત કર્યું છે સાથે જ તંત્ર પર પ્રહાર કર્યા હતા. વજુભાઇ વાળાએ કહ્યું કે, અધિકારીઓના પાપે જ આ અગ્નિકાંડ થયો છે અને રાજકોટ મનપાએ ભૂલ સ્વીકારવી જ જોઇએ.
વજુભાઇ વાળાએ લગાવ્યો ગંભીર આરોપ
ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇ વાળાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, રાજકોટ મનપાની નિષ્કાળજી રહી છે. કોઇ પણ પ્રકારનું સ્ટ્રક્ચર હોય કોર્પોરેશનની મંજૂરી જોઇએ. મનપાએ ભૂલ સ્વીકારવી જ જોઇએ. રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃતિ બંધ કરાવવાની જવાબદારી મનપાની છે. જીંદગીમાં થયેલી ભૂલની કબુલાત નહીં કરીએ તો એવી ભૂલનું પુનરાવર્તન જ થયા કરશે. ઓફિસરો સામે પણ પગલા લો, આપણે એવુ ન કહેવાય કે પરવાનગી નહોતી આપી એટલે અમારો કોઇ રોલ નથી. પરવાનગી નહોતી આપી તોય ત્યા ગેમ ઝોન તો હતો જ. તો ધ્યાન શું રાખ્યુ?'
આ મામલે પોલીસે FIR દાખલ કરી
રાજકોટમાં આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. માહિતી અનુસાર પોલીસ મથકે એફઆઈઆરમાં ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ, પ્રકાશ સોલંકી સહિત કુલ 6 લોકો સામે એફઆઈઆર નોંધાવામાં આવી છે. અગ્નિકાંડ મામલે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થતાં તે પણ આ મામલે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.








