VIDEO: વડોદરા નજીક રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળતા પોલીસ તંત્ર દોડતું થયું, તપાસ તેજ
VIDEO: ગુજરાતમાં ફરી એકવાર રેલવે નેટવર્કને નિશાન બનાવવાનો પ્રયાસ થયો હોય તેવી શંકાસ્પદ ઘટના સામે આવી છે. વડોદરા શહેર નજીક આવેલા અનગઢ નવાપુરા વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પરથી બિનવારસી હાલતમાં શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળી આવતા સમગ્ર પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.
ઘટનાની વિગત
નંદેસરી પોલીસ મથકની હદમાં આવતા અનગઢ નવાપુરા પાસે ગુડ્સ ટ્રેનના પાટા પાસે બોમ્બ જેવું કંઈક પડ્યું હોવાનો કોલ પોલીસને મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં ફટાકડાના ટેટા જેવા શેલ અને કેટલાક વાયરો સાથે બાંધેલું એક શંકાસ્પદ ઉપકરણ મળી આવ્યું છે.
તપાસનો ધમધમાટ
પોલીસે તાત્કાલિક અસરથી બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ લીધી છે. આ પદાર્થ ખરેખર કોઈ શક્તિશાળી વિસ્ફોટક હતો કે માત્ર કોઈએ ડર ફેલાવવા માટે કરેલું કૃત્ય, તેની હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે, આ પદાર્થ કોણે મૂક્યો અને તેનો અસલ ઈરાદો શું હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચાઓ જાગી છે કે શું અહીંથી પસાર થતી માલગાડી કે અન્ય ટ્રેનોને ઉથલાવવાનો કોઈ મોટો પ્રયાસ હતો? હાલમાં એફએસએલ (FSL) અને અન્ય ટેક્નોલૉજી ની મદદથી આ પદાર્થનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રેલવે સુરક્ષાનું અત્યંત મહત્ત્વ હોવાથી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે.

