VIDEO: વડોદરામાં નશામાં ચૂર સિક્યુરિટી ગાર્ડે કર્યું હવામાં ફાયરિંગ, પોલીસે શખ્સની કરી અટકાયત
વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના દાંડિયા બઝાર કાકા સાહેબના ટેકરા પાસે આવેલા નવદુર્ગા મંદિર નજીક GISF (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ) ના જવાને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરતા સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતા જ રાવપુરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ફાયરિંગ કરનાર નરેન્દ્રસિંહ દોલતસિંહ રાજ ની અટકાયત કરી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મૂળ જંબુસરનો વતની છે અને વડોદરા જીએસટી (GST) ભવનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઘટના સમયે કર્મચારી નશામાં ચૂર હતો. પોલીસે ઘટનાસ્થળેથી ફાયરિંગમાં વપરાયેલી બંદૂક અને જીવતા કારતૂસ કબ્જે કર્યા છે.
GST ભવનમાં ફરજ બજાવતો હતો આરોપી
આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન અને જાહેરનામાના ભંગ બદલ કાયદેસરનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે, નશાની હાલતમાં તેણે કયા કારણોસર હવા મા ફાયરિંગ કર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ભરચક વિસ્તારમાં જવાબદાર સુરક્ષાકર્મી દ્વારા આ પ્રકારે હથિયારનો દુરુપયોગ થતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

