VIDEO: ભાયલીના તળાવમાં ગટરના પાણી મુદ્દે વિવાદ, મ્યુનિસિપલ કમિશનરને 'રાવણ' દર્શાવતો AI વીડિયો વાયરલ
VIDEO: વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક વિમલેશ્વર તળાવને બચાવવા માટે સ્થાનિકોએ હવે ડિજિટલ જંગ છેડ્યો છે. તળાવના બ્યુટિફિકેશનના કામ વચ્ચે જ તેમાં ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુનો રાવણના 10 મોઢાવાળો AI (Artificial Intelligence) વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો.
શું છે સમગ્ર મામલો?
ભાયલીના વિમલેશ્વર તળાવના નવીનીકરણ માટે તંત્ર દ્વારા કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. જોકે, એક તરફ સુંદરતા વધારવાના દાવા થાય છે અને બીજી તરફ તળાવમાં ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ગંદા પાણીને કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ અને બીમારી ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોની વારંવારની રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે પૂર્વ સરપંચ અને ગ્રામજનોએ આક્રમક વલણ અપનાવ્યું છે.
AI વીડિયો દ્વારા વિરોધ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં મ્યુનિસિપલ કમિશનરને પ્રતીકાત્મક રીતે રાવણના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે, જે તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રહાર કરે છે. આ ઘટનાને પગલે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગામના છેવાડે પણ વિરોધ દર્શાવતા બેનરો લગાવવામાં આવ્યા છે.
રાજકીય ગરમાવો
ઉલ્લેખનીય છે કે, ભાયલી વિસ્તારમાં તમામ કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના છે. તેમ છતાં જનતાની પાયાની જરૂરિયાત અને પર્યાવરણના રક્ષણ મુદ્દે કોઈ નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોએ હવે સીધો મોરચો માંડ્યો છે. લોકોની માંગ છે કે તળાવમાં પડતી ગટર લાઈન તાત્કાલિક બંધ કરવામાં આવે અને વિમલેશ્વર તળાવનું પવિત્રતા જાળવવામાં આવે

