VIDEO: વડોદરામાં લહેરીપુરા ગેટ પાસે ટ્રાફિક ડાયવર્ઝન કરનાર રીલબાજ યુવકો સામે પોલીસની લાલઆંખ
વડોદરાના ઐતિહાસિક લહેરીપુરા ગેટ પાસે સોશિયલ મીડિયા પર સસ્તા પ્રચાર માટે રીલ બનાવતા કેટલાક યુવક-યુવતીઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. બે દિવસ અગાઉ જીએસટીવી દ્વારા આ જોખમી રીલનો વીડિયો પ્રસારિત કરાયા બાદ વડોદરા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. આ વાયરલ વીડિયોમાં કેટલાક નબીરાઓ જાહેર માર્ગ પર ગેરકાયદે ટ્રાફિક ડાયવર્ઝન કરીને રીલ બનાવતા નજરે પડ્યા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.આ આખી ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને પોલીસે આ કાયદો હાથમાં લેનારા રીલબાજ યુવકોને શોધી કાઢ્યા હતા અને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું.પોલીસના સકંજામાં આવતા જ તમામ યુવકો નરમ પડી ગયા હતા અને તેમણે જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાહેર માર્ગો પર ટ્રાફિકને અવરોધતી કે સ્ટન્ટ કરતી પ્રવૃત્તિઓ કાયદેસરનો ગુનો છે અને ભવિષ્યમાં પણ આવા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.

