VIDEO : વડોદરામાં ખ્યાતિ હોસ્પિટલ જેવો કાંડ, દર્દીને બિનજરૂરી ઑક્સિજન માસ્ક પહેરાવી ફોટો પાડ્યાં

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના-PMJAY એટલે કે આયુષ્માન ભારત યોજનામાં કૌભાંડ સામે આવ્યાં બાદ હવે વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં પણ આવું કૌભાંડ સામે આવ્યું છે. વડોદરાના ભાયલી-સેવાસી રોડ પર આવેલી અંજના હોસ્પિટલમાં દર્દીને બિનજરૂરી ઑક્સિજન માસ્ક પહેરાવી ફોટો પાડવામાં આવ્યાં હોવાનો અને આ ફોટો આયુષ્માન ભારત યોજનાના પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે.
અંજના હોસ્પિટલમાંથી દર્દીનો વીડિયો વાયરલ
વડોદરાના ભાયલી-સેવાસી રોડ પર આવેલી અંજના સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ સરકારી યોજનાના નામે ગેરરીતિ થઈ હોવાની માહિતી બહાર આવી છે. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં હોસ્પિટલનું એક દર્દી કહી રહ્યું છે કે જેમને જરૂર નથી તેવાને ઑક્સિજન માસ્ક પહેરાવીને ફોટા પાડવામાં આવી રહ્યા છે અને તે ફોટાને આયુષ્યમાન કાર્ડની વેસબાઇટ પર અપલોડ કરવામાં આવે છે. જુઓ આ વીડિયો :
વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય આધિકારીએ તપાસ માટે ટીમ મોકલી
ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પ્રશાસન દોડતુ થયું છે. વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી દેવેશ પટેલે કહ્યું કે વીડિયો ધ્યાને આવતા અમારા સ્વાસ્થ્ય વિભાગની અને રાજ્ય સરકારે રચેલી સ્વાસ્થ્ય ટીમને તપાસ માટે મોકલી છે, તેનો અહેવાલ આવશે તે રાજ્ય સરકારને સુપરત કરીશું. ત્યારબાદ રાજ્ય સરકાર નક્કી કરશે કે આમા શું કાર્યવાહી કરવાની થાય છે.
આયુષ્યમાન કાર્ડ અધિકારી તપાસ માટે પહોંચ્યાં
તપાસ માટે હોસ્પિટલ પહોંચેલા આયુષ્યમાન કાર્ડ અધિકારી ડોક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે, વીડિયો વાયરલ થયા બાદ મુખ્ય આરોગ્ય અધિકારીએ અમને તપાસ માટે મોકલ્યા હતા. તેના રિપોર્ટ અમે ઉપરી અધિકારી અને સરકારને સુપરત કરીશું. હાલ ICUમાં 12 દર્દી દાખલ છે. તેમની તમામ માહિતી અમે ચેક કરી રહ્યા છીએ કે, ખરેખર જે સારવાર અપાઈ રહી છે તેની તેમને જરૂર છે કે નહીં. દર્દીઓને આયુષ્યમાન કાર્ડના આધારે એડમિટ કરતા હોય છે. દર્દીની તમામ માહિતી પોર્ટલ પર શેર કરવામાં આવે છે. ડિસ્ચાર્જ વખતે દર્દીનો વીડિયો રેકોર્ડ કરીને તમામ માહિતી સાથેની ડિસ્ચાર્જ સમરી ભરવામાં આવતી હોય છે.

