VIDEO : Vadodaraમાં બેફામ કાર ચાલકે બાઈક સવારને ઉડાવ્યો, યુ ટર્ન લઈને ગાડી ભગાવી દીધી
વડોદરામાં છાણી ટીપી 13 રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. છાણી વિસ્તારમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી બાઈક સવારને ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. રોડ પર સ્પીડ બ્રેકર હોવા છતાં બેફામ ગાડી ચલાવી આગળ જઈ રહેલા બાઈકને એટલી જોરદાર ટક્કર મારી કે ચાલક હવામાં ફંગોળાઈને 20 ફૂટ દૂર પડ્યો. મહત્ત્વની વાત એ છે કે ઈજાગ્રસ્ત યુવકને સારવારની મદદ કરવાના બદલે પૂરપાટ અને બેફામ ઝડપે કાર ચલાવી રહેલો ચાલક અકસ્માત બાદ ફરાર થયો છે.
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે આ હૃદયદ્રાવક અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
વડોદરાના છાણી ટીપી 13 વિસ્તારમાં 12 માર્ચે સાંજના સમયે 7 વાગ્યે બાઈક સવારને પૂરઝડપે આવી રહેલી કારે ટક્કર મારી હતી. જેને પગલે બાઈકચાલક બાઈક પરથી નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત સર્જાયા બાદ કારચાલકે યુવકને કણસતો જોઈ તેની મદદ કરવાની જગ્યાએ તાત્કાલિક કારનું સ્ટીયરિંગ ફેરવી કાર વળાવીને ત્યાંથી રફૂચક્કર થઈ ગયો હતો. અકસ્માતને પગલે આસપાસ લોકોના ટોળા એકત્ર થયા હતા. જે બાદ યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

