Vadodara news: પૂઠા ફેક્ટરીમાં લાગેલી આગ 7 કલાક બાદ કાબુમાં, લાખોનો માલ બળીને ખાખ

વડોદરાની એક પૂઠા ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં ફાયર બ્રિગેડે સતત સાત કલાક પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. સદનસીબે જાનહાનિ ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
પુઠાનો જથ્થો સળગીને ખાખ થઈ જતા ફેક્ટરી માલિકને લાખોનું નુકસાન
સંસ્કારી નગરી વડોદરાના મોતીપુરા ખાતે આવેલી એક પુઠાની ફેક્ટરી એવી ગાર્નેટ કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો, છતાં આગ પર કાબૂ મેળવાયો નહોતો. જે બાદ વડોદરાની ત્રણ તેમજ ડભોઇ અને બોડેલીની ફાયર ફાયટરની ટીમો આગને કાબુમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે સતત સાત કલાક પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. આગમાં પેપર-પુઠાનો મોટો જથ્થો સળગીને ખાખ થઈ જતા ફેક્ટરી માલિકને લાખોનું નુકસાન થયું છે. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. સદનસીબે જાનહાનિ ટળતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

