ગોરવામાં ઝૂંપડાં હટાવવાની કાર્યવાહી સામે સ્થાનિકોએ કાઢી રેલી, વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સાથે રજૂઆત

વડોદરાના ગોરવા વિસ્તારમાં ટીપી-55 હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં ઝૂંપડાં ખાલી કરવા અને ડિમોલિશનની નોટિસ આપવામાં આવતાં સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે. છેલ્લા 50 વર્ષથી વસવાટ કરતા પરિવારોને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કર્યા વિના બેઘર ન કરવામાં આવે તેવી માગ સાથે આજે ગોરવાના રહેવાસીઓ દ્વારા રેલી યોજી મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.
આ રેલી આજે ગોરવાના મધુનગરથી. ફૂલવાડી બ્રિજ, નિઝામપુરા, કાલાઘોડા, કોઠી-રાવપુરા અને ખંડેરાવ માર્કેટ થઈ સાંજે 4:30 કલાકે મ્યુનિસિપલ કમિશનર કચેરીએ પહોંચી હતી. આ 'ગાંધી સ્વરાજ અને જાગો વડોદરા'ના નેજા હેઠળ નિકળેલી રેલીના બાદ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, આવેદનમાં જણાવ્યા મુજબ ગોરવા વિસ્તારમાં ટીપી-55ના પ્લોટ નંબર 107, 111, 134, 132 અને 131, પ્લોટ નંબર 252, પ્લોટ નંબર 13/2, ગોરવા રોડની આજુબાજુ આવેલી અંબિકા દલિતવાડીના 75 મકાનો, બોરિયા તળાવ-1 અને 2, મધુનગર, શમશેરનગર-1 તથા કરોડિયા રોડના વિસ્તારોમાં વર્ષોથી ઝૂંપડાં બાંધીને પરિવારો વસવાટ કરે છે. આ પરિવારોના રોજગાર, ધંધા અને બાળકોનું શિક્ષણ પણ આ વિસ્તારો સાથે જોડાયેલું છે.
વધુમાં જણાવ્યું છે કે ટીપી-55 મંજૂર કરતી વખતે આ ઝૂંપડપટ્ટી વિસ્તારના આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના નાગરિકો માટે આવાસના પ્લોટ અનામત રાખવામાં આવ્યા છે. તેમ છતાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની નોટિસ આપવામાં આવી છે. આવા સંજોગોમાં વર્ષોથી વસવાટ કરતા પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના હટાવવાની કાર્યવાહી ન કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
આ ઉપરાંત ભારત સરકારની ઝૂંપડપટ્ટી મુક્ત શહેરની યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) અંતર્ગત અસરગ્રસ્ત પરિવારોને આ જ સ્થળે મફત આવાસ ફાળવવાની માગ પણ કરવામાં આવી છે. પૂર્વ નેતા અમી રાવત અને ઇન્ટુકના અધ્યક્ષ તથા વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર રાવત સહિત ગોરવાના રહેવાસીઓ આ રજૂઆતમાં જોડાયા હતા.








