સાવલીમાં નળ સે જળ યોજનાના પાણીનો ખાનગી કંપનીમાં ઉપયોગ થતો હોવાનો આક્ષેપ, જવાબદારો સામે કાર્યવાહીની માગ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સરકારી પાણી પુરવઠાની લાઇનમાંથી ખાનગી કંપનીને પાણીનું જોડાણ આપવામાં આવ્યું હોવાના આક્ષેપથી વિવાદ ઊભો થયો છે. સાવલીના ટુંડાવ-સુભેલાવ રોડ પર આવેલી ખાનગી કંપનીને નળ સે જળ યોજના અંતર્ગત રહેણાંક વિસ્તારો માટે નાખવામાં આવેલી સરકારી લાઇનમાંથી કનેક્શન આપવામાં આવ્યું હોવાનો સ્થાનિક જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે.
લાઇન ખોદીને પાણી ખાનગી કંપની સુધી પહોંચાડાતો હોવાનો આરોપ
આક્ષેપ મુજબ, નળ સે જળ યોજનાની પાણીની લાઇન ખોદીને ખાનગી કંપની સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આથી રહેણાંક વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટેની સરકારી યોજનાના પાણીનો ઉપયોગ ખાનગી કંપનીમાં થઈ રહ્યો હોવાના સવાલો ઊભા થયા છે. જો આ આક્ષેપ સાચા હોય તો સરકારી યોજનાના પાણીનો ખાનગી ઉપયોગ થતો હોવાની બાબત ગંભીર તપાસનો વિષય બની શકે છે.
જવાબદારો સામે યોગ્ય કાર્યવાહીની માગ
આ ઉપરાંત ખાનગી કંપનીને સરકારી પાણીની લાઇનમાંથી જોડાણ આપવા માટે સત્તાવાર મંજૂરી લેવામાં આવી છે કે કેમ તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તથા સમગ્ર હકીકત બહાર લાવી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા માગ કરવામાં આવી છે. હવે તંત્ર આ આક્ષેપોને લઈને કેવાં પગલાં ભરે છે તે જોવું રહ્યું.







