Vadodara: જમીન વિવાદમાં યુસુફ પઠાણની અરજી હાઈકોર્ટે ફગાવી, જમીનનો કબજો લેવા તંત્ર એક્શનમાં

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાણીતા રમતવીરોને રાહતદરે જમીન આપવાની યોજના અમલમાં મૂકી હતી. તેમાં ક્રિકેટર યુસુફ પઠાણે જમીનની માંગણી કરી હતી. તેને કોર્પોરેશનની સભાએ મંજૂરી આપી રાજ્ય સરકારમાં મોકલી હતી, પરંતુ તેણે અરજી નામંજૂર કરી દીધી હતી.
હાલમાં તંદળજા વિસ્તારમાં આંગન સોસાયટી નજીક TP સ્કીમ નં. 22ના ફાઈનલ પ્લોટ નં. 90 પર 978 ચો.મી. જમીન પર ગેરકાયદે કબજાનો પઠાણ પર આરોપ છે. આ જમીન VMCની છે, જેને પઠાણે 2012માં રાહતદરે માંગી હતી.
હવે તેણે જમીન પર ગેરકાયદે દબાણ કરી તબેલો અને દીવાલ બાંધી દઈ પ્લોટનો કેટલોક ભાગ પોતાના હસ્તક મેળવી લીધો હતો. જે અંગે વિવાદ થતાં કોર્પોરેશને નોટિસ આપતા યુસુફ પઠાણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે અંગેનો કેસ ચાલી જતાં હાઈકોર્ટે યુસુફ પઠાણની અરજી ફગાવી દીધી છે જેથી પાલિકા તંત્ર દોડતું થયું છે.
રાહતદરે જમીન આપવાની યોજના
નોધનીય છે કે, VMCએ જાણીતા રમતવીરોને રાહતદરે જમીન આપવાની યોજના હેઠળ 3 માર્ચ 2012માં પઠાણની અરજી મંજૂર કરી અને 8 જૂન 2012ના રોજ સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના વિરોધ વિના સર્વાનુમતે પાસ કરી રાજ્ય સરકારને મોકલી હતી. જોકે, રાજ્યના શહેરી વિકાસ વિભાગે 9 જૂન 2014માં આને નામંજૂર કરી દીધું, પરંતુ આ વિશે પઠાણને 10 વર્ષ સુધી જાણ નહોતી કરવામાં આવી. આ જમીન પર પઠાણે ગેરકાયદે દીવાલ બાંધી તબેલો અને કેટલોક ભાગ પોતાના હસ્તે મેળવી લીધો હતો, જેના કારણે વિવાદ સર્જાયો હતો.
6 જૂન 2024ના રોજ VMCએ પઠાણને નોટિસ આપી, જેના વિરુદ્ધ તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. 10 સપ્ટેમ્બર 2025ના રોજ અરજી ફગાવી દીધી.

