Ahmedabad : ગાંજાના જથ્થા સાથે બે મહિલાઓની ધરપકડ, 1.77 લાખનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad news : અમદાવાદ શહેરમાં અનેકવાર નશાનો કારોબાર ઝડપાયો છે. સ્થાનિક પોલીસ અને એસઓજી તેમજ ક્રાઈમ બ્રાન્ચ

Ahmedabad news : અમદાવાદ શહેરમાં અનેકવાર નશાનો કારોબાર ઝડપાયો છે. સ્થાનિક પોલીસ અને એસઓજી તેમજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અવારનવાર ડ્રગ્સ સાથે પેડલરોને પકડવામાં આવ્યા છે. તેવામાં હવે મહિલાઓ પણ આ કારોબાર સાથે જોડાતી જોવા મળી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગાંજાના જથ્થા સાથે બે મહિલાઓની ધરપકડ કરી છે. પકડાયેલી મહિલાઓ અન્ય રાજ્યમાંથી ગાંજો લાવીને અમદાવાદમાં વેચાણ કરતી હોવાનું સામે આવ્યું છે.
ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલી આ મહિલાના નામ નીતા સોલંકી અને ઉર્મિલા પરમાર છે. નીતા સોલંકી અમદાવાદના નારોલ વિસ્તારમાં રહે છે, જ્યારે ઉર્મિલા પરમાર મહેસાણાના કડીની રહેવાસી છે. આ બંને મહિલાઓને ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ગીતામંદિરથી જમાલપુર તરફ જતા રોડ પરથી 15 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે પકડી પાડી છે. 1.56 લાખની કિંમતનો ગાંજો તેમજ 15,000 રોકડ રકમ અને બે મોબાઈલ ફોન સહિત 1.77 લાખનો મુદ્દા માલ છે જપ્ત કર્યો છે અને આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે આ ગુનામાં મુખ્ય આરોપી નીતા સોલંકી છે, જે અમદાવાદમાં ગાંજાનું છૂટક વેચાણ કરે છે. તેને અવારનવાર ગાંજાની જરૂર હોવાથી ઉર્મિલા પરમારને ગાંજો લેવા માટે મહારાષ્ટ્ર મોકલતી હતી અને ઉર્મિલા મહારાષ્ટ્રમાં કપિલ નામના વ્યક્તિ પાસેથી ગાંજો લાવી ખાનગી બસ મારફતે અમદાવાદમાં નીતા સોલંકીને આપતી હતી. બંને આરોપીઓ ઘણા સમયથી આ કારોબાર સાથે જોડાયેલી હોવાનું પણ સામે આવ્યું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓ અગાઉ પણ અનેકવાર મહારાષ્ટ્રથી આ રીતે ગાંજો લાવીને અમદાવાદમાં ગ્રાહકોની જરૂરિયાત મુજબ વેચાણ કરી ચૂકી છે. આ કેસમાં મુખ્ય આરોપી મહારાષ્ટ્રના કપિલની શોધખોળ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચ એ બાબતની પણ તપાસ કરી રહી છે કે શા માટે આ બંને મહિલાઓ ડ્રગ્સના વ્યવસાય સાથે જોડાઈ હતી અને કોણ કોણ તેમના ગ્રાહકો હતા. આ કેસમાં પોલીસની તપાસમાં કેવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.






