મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની સ્મીમેર હોસ્પિટલથી બ્રેઈન ડેડ આધેડના લિવર અને કિડનીનું દાન કરી ત્રણને નવજીવન બક્ષ્યું

સુરત શહેરે ડોનેટ લાઈફના માધ્યમથી 500 કિડનીનું દાન કરાવી અંગદાનના ક્ષેત્રમાં નવો માઈલસ્ટોન બનાવ્યો છે. ડોનેટ લાઈફ દ્વારા વધ

સુરતની સ્મીમેર હોસ્પિટલથી બ્રેઈન ડેડ આધેડના લિવર અને કિડનીનું દાન કરી ત્રણને નવજીવન બક્ષ્યું

સુરત શહેરે ડોનેટ લાઈફના માધ્યમથી 500 કિડનીનું દાન કરાવી અંગદાનના ક્ષેત્રમાં નવો માઈલસ્ટોન બનાવ્યો છે. ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાન સુરતની સ્મીમેર હોસ્પિટલથી કરાવવામાં આવ્યું છે. સ્મીમેર હોસ્પિટલે સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO)માં ઓર્ગન રીટ્રાયવલ હોસ્પિટલ તરીકે નોંધણી કરાવ્યા પછી સ્મીમેર હોસ્પિટલથી પ્રથમ અંગદાન કરાવવામાં આવ્યું છે. આદિવાસી સમાજના 49 વર્ષીય બુધાભાઈ પારસીંગભાઈ નાયકાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી બુધાભાઈના લિવર અને કિડનીનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

વાહને ટક્કર મારી હતી

મૂળ પંચમહાલના વતની અને સુરતના કામરેજ ખાતે રહેતા અને સફાઈ કામદાર તરીકે કાર્ય કરતા બુધાભાઈ તા. 28 એપ્રિલના રોજ સાંજે કરીયાણું લેવા જતા હતા. ત્યારે વાવ ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા અને માથામાં ઈજાઓ થતા તેઓ બેભાન થઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ મારફત તેમને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સર્જરી વિભાગ યુનિટ 4ના પ્રો. ડૉ. દિનેશ પ્રસાદ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જીગ્નલ સોનાવલેની સારવાર હેઠળ દાખલ કર્યા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.

પરિવાર અંગદાનનું મહત્વ સમજ્યાં

29 એપ્રિલના રોજ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.જીતેન્દ્ર દર્શન, સર્જરી વિભાગના વડા ડૉ. અર્ચના નેમા, ન્યુરોસર્જન ડૉ. દીપેશ કક્કડ, સર્જરી વિભાગના સીનીયર રેસિડન્ટ ડૉ. ચિંતન પટેલે બુધાભાઈ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સર્જરી વિભાગના વડા ડૉ.અર્ચના નેમાએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી બુધાભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી બુધાભાઈના પત્ની ગંગાબેન, ભાઈ કાળુભાઈ, ભાણેજ પ્રકાશભાઈ અને મુકેશભાઈ, દિવ્યેશભાઈ શેખડા, મનોજભાઈ પટેલ તેમજ નાયકા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

રોડ સફાઈનું કામ કરે છે

બુધાભાઈના ભાઈ કાળુંભાઈએ કહ્યું કે, અમે ગરીબ પરિવારના છીએ, રોડ સફાઈનું કાર્ય કરીને અમારા પરિવારનું જીવન પોષણ કરીએ છીએ. જીવનમાં અમે કોઈ ચીજ-વસ્તુઓનું દાન કરી શકવાના નથી. આજે મારા ભાઈ બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે, શરીર તો રાખ જ થઈ જવાનું છે. ત્યારે મારા ભાઈના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. બુધાભાઈના પરિવારમાં પત્ની ગંગાબેન (ઉં.વ. 46), સફાઈ કામદાર તરીકેનું કાર્ય કરે છે. બે પુત્રો સંજય (ઉં.વ 22) અને કનુ (ઉં.વ.19) ખેતમજૂર છે.

લિવર અમદાવાદ મોકલાયું

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની IKDRCને ફાળવવામાં આવી હતી. કિડની અને લિવરનું દાન અમદાવાદની IKDRCના ડૉ. અખિલ અને તેમની ટીમે સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી બે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું હતું. કિડની અને લિવર સમયસર અમદાવાદ મોકલવા માટે સુરતની સ્મીમેર હોસ્પિટલથી કામરેજ ટોલનાકા સુધીનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ અંગો દેશના જુદા-જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે અત્યાર સુધી 117 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો