Video: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત: વડોદરાના PSI સહિત ત્રણ મિત્રોના કરુણ મોત

ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મનુબર ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વડોદરાથી ભરૂચ આવી રહેલી કાર આગળ ચાલતા ટેમ્પા સાથે ભડાકાભેર અથડાયા બાદ પલટી મારી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર વડોદરાના ૨૭ વર્ષીય PSI યશ પટેલ, મહેસાણાના પાર્થ પટેલ અને અસફાક મોનીનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો છે. તમામ મિત્રો ભરૂચ ખાતે પોતાના અન્ય મિત્રને મળવા આવી રહ્યા હતા ત્યારે આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. બનાવ બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.





