Video: મેડા આદરજ પાસે કાળમુખી ટ્રકે બાઈક સવારને 300 મીટર સુધી ઢસડ્યો: ઘટનાસ્થળે જ કરુણ મોત, પોલીસ દ્વારા અટકાયત

મહેસાણા જિલ્લાના કડી-થોળ માર્ગ પર આવેલા મેડા આદરજ ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે બાઈકને અડફેટે લીધી હતી અને ટ્રકચાલકે માનવતા નેવે મૂકીને બાઈકચાલકને ૨૦૦ થી ૩૦૦ મીટર સુધી રસ્તા પર ઢસડ્યો હતો. આ ભયાનક અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ બાવલુ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને ફરાર ટ્રકચાલક સામે ગુનો નોધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








