Video: ગાંધીનગરમાં કોંગ્રેસના આવેદન પહેલાં પોલીસ બંદોબસ્ત

ગાંધીનગરમાં ગુજરાત પોલીસ ભવન ખાતે કોંગ્રેસના આવેદન કાર્યક્રમને પગલે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે. પોલીસ ભવન તરફ જતા માર્ગો પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ દમન અને કથિત ખોટા કેસોના વિરોધમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિપક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીની આગેવાનીમાં કોંગ્રેસ આવેદનપત્ર આપશે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે કે જમીન વિવાદમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ષડયંત્ર રચ્યું હતું તથા ગાંધીનગર રેન્જ આઈજીએ 11 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. અમિત ચાવડાએ પણ પોલીસ પર ભાજપના એજન્ટ તરીકે કામ કરવા, કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરવા અને ચૂંટણી દરમિયાન દબાણ લાવવાના આક્ષેપો કર્યા છે. કોંગ્રેસે જમીન કૌભાંડના આક્ષેપોની તપાસ, ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી અને સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.







