મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: પેસેન્જરની નજર ચુકવી દાગીનાની ચોરી કરતી રીક્ષા ગેંગના ત્રણ સાગરીતો પકડાયા, 'સ્ટીકર નંબર'થી ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ શહેર પોલીસે રિક્ષા ચાલકો પર નજર રાખવા અને પેસેન્જરોની સુરક્ષા માટે શરૂ કરેલી

Ahmedabad news: પેસેન્જરની નજર ચુકવી દાગીનાની ચોરી કરતી રીક્ષા ગેંગના ત્રણ સાગરીતો પકડાયા, 'સ્ટીકર નંબર'થી ગુનાનો ભેદ ઉકેલાયો
આ સમાચાર સાંભળો
અમદાવાદ શહેર પોલીસે રિક્ષા ચાલકો પર નજર રાખવા અને પેસેન્જરોની સુરક્ષા માટે શરૂ કરેલી 'નંબર આધારિત સ્ટીકર' યોજના ગુનેગારોને પકડવા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તાજેતરમાં વાડજ પોલીસે સીસીટીવી અને આ ખાસ સ્ટીકર નંબરની મદદથી પેસેન્જરની નજર ચુકવી સોનાના દાગીનાની ચોરી કરતી રીક્ષા ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડી મોટા ગુનાનો ભેદ ઉકેલ્યો છે.  

નજર ચુકવીને દાગીના સેરવી લેતી મોડસ ઓપરેન્ડી

વાડજ પોલીસ સ્ટેશનની હદમાં થોડા સમય પહેલા એક મહિલા પેસેન્જર સાથે ચોરીની ઘટના બની હતી. રીક્ષામાં મુસાફરી કરી રહેલી મહિલાની નજર ચુકવીને રીક્ષા ગેંગના સાગરિતોએ સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ મામલે ગુનો નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.  

સીસીટીવી ફૂટેજ અને સ્ટીકર નંબરે અપાવી સફળતા

પોલીસે ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન એક શંકાસ્પદ રીક્ષા નજરે પડી હતી, જેના પર અમદાવાદ પોલીસ દ્વારા લગાવવામાં આવેલું ખાસ સ્ટીકર સ્પષ્ટ દેખાતું હતું. આ નંબરના આધારે પોલીસે રીક્ષાના માલિક અને ચાલકની વિગતો મેળવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પરિણામે, પોલીસે સરદારનગરના રહેવાસી વિનોદ પરમાર, વિનોદ બાવરી અને વિજય બાવરીને દબોચી લીધા હતા.  

આઠથી વધુ ગુનાના ભેદ ઉકેલાયા

પોલીસ ઇન્સ્પેક્ટર વી. આર. ડાંગરે આ અંગે વિગત આપતા જણાવ્યું કે, પકડાયેલા આરોપીઓ પૈકી વિનોદ પરમાર અને વિજય બાવરી આ ગેંગના મુખ્ય સૂત્રધારો છે. પ્રાથમિક પૂછપરછમાં આ ટોળકીએ 8થી વધુ ચોરીના ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે. આ આરોપીઓ માત્ર વાડજ જ નહીં પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં પણ સક્રિય હતા.  

ચોરીના દાગીના ખરીદનાર સોનીની શોધખોળ

પોલીસ તપાસમાં હવે એ દિશામાં કામગીરી ચાલી રહી છે કે આ ગેંગ ચોરી કરેલા સોનાના દાગીના કોને વેચતી હતી. પોલીસ તે જ્વેલર (સોની) વિશે પણ કડક તપાસ કરી રહી છે જે આ રીતે ગેરકાયદેસર રીતે ચોરીનો માલ ખરીદતો હતો.   શહેર પોલીસની આ સફળતાએ સાબિત કર્યું છે કે રીક્ષા પર લગાવેલા નાના અમસ્તા સ્ટીકરો હવે પેસેન્જરો માટે સુરક્ષા કવચ અને ગુનેગારો માટે પકડાઈ જવાનો મોટો પુરાવો બની રહ્યા છે.    

આ સમાચાર શેર કરો