મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં મજૂર દંપતીની બે બાળકીઓના અપહરણ મામલે ત્રણની ધરપકડ

વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં વડોદરાના સાવલી તાલુકાના મંજુસર જી.આઈ.ડી

વડોદરામાં મજૂર દંપતીની બે બાળકીઓના અપહરણ મામલે ત્રણની ધરપકડ

વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં વડોદરાના સાવલી તાલુકાના મંજુસર જી.આઈ.ડી.સી.માં બે માસૂમ બાળકીના અપહરણનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે મંજુસર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને બે મહિલા સહિત ત્રણને ઝડપી પાડી એક ને ફરાર જાહેર કર્યો છે. મંજુસર GIDCમાં પર પ્રાંતિય દંપતી ખુલ્લા મેદાનમાં ઝૂપડા બાંધીને રહેતા હતા અને છૂટક મજૂરી કરી જીવન ગુજારતા હતા. ગત તારીખ ૨૪ માર્ચના રોજ દંપતી પોતાની બે વર્ષની દીકરી રાગિણી કુમારી અને ચાર વર્ષની દીકરી  રજની કુમારીને ઘરે મૂકીને મજૂરી એ ગયા હતા.

ઘરે આવતા જોયું તો બાળકીઓ ઘરે હાજર નહોતી

તે દરમ્યાન સાંજે પરત ફરતા બાળકીઓ લાપતા જણાતા સમગ્ર મામલો મંજુસર પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવની ઝીણવટ પૂર્વક તપાસમાં સાથે કામ કરતી છાયા અને તેના પતિની ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવતા પોલીસની કડક તપાસમાં આરોપી છાયાએ વટાણા વેર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીના મામાના દીકરા અંદરસિંહ ઉર્ફે અન્દ્રુ સાથે વીડિયો કોલ પર વાત કરતી હતી, ત્યારે આ બે બાળકીઓને રમતા જોઈ આરોપીના કુટુંબમાં કોઈ છોકરીઓ ના હોઈ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. આ બન્ને બાળાઓને ઉછેરવાની ઇચ્છાથી આરોપી અન્દ્રુ સિંહ અને તેની મમ્મી મટ્ટુબેન રિક્ષામાં બેસાડીને  મંજુસરથી અપહરણ કરી લઈ ગયા હતા.

મધ્યપ્રદેશથી બાળકીઓ સાથે મહિલાની ધરપકડ

મંજુસર પોલીસે આરોપી મહિલા મટ્ટુબેન ટીટીયા ડોડીયારની મધ્યપ્રદેશના બડલીપાડા જિલ્લો જામ્બુઆથી બંને બાળાઓ સાથે ઝડપી પાડવામાં આવી છે અને જેલભેગી કરી છે. બે માસૂમ બાળાઓના અપહરણની ઘટના સામે આવતા સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. હાલ મંજુસર પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો