રજા પર ઉતરીને વિદેશમાં જલસા કરતા અધિકારીઓ અને કર્મચારીઓ સરકારના રડારમાં, સખ્ત નિયમો થશે લાગું
ગુજરાતમાં સરકારી નોકરીમાં લાંબી રજા પર ઉતરીને વિદેશમાં જલસા કરતા અધિકારીઓ અને કર્મચાર

ગુજરાતમાં સરકારી નોકરીમાં લાંબી રજા પર ઉતરીને વિદેશમાં જલસા કરતા અધિકારીઓ અને કર્મચારીઓ માટે સરકાર સખ્ત નિયમ લાવી રહી છે. સરકારના વિભાગો કે જેઓ કર્મચારીઓની રજાના માપદંડ નક્કી કરે છે, તેમને સતર્ક કરી નિયમોમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોના વિદેશમાં સ્થાયી થવાની સંખ્યાબંધ કિસ્સા સામે આવ્યા પછી આરોગ્ય વિભાગમાં પણ આવી લાલીયાવાડી ચાલી રહી હોવાનું ધ્યાને આવ્યું છે.
રજાના માપદંડ નક્કી કરાશે
જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ લાંબી રજા પર ઉતરીને વિદેશમાં જતા હોવાના કિસ્સા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યા છે. કેટલાક કર્મચારીઓ ચાલુ નોકરીએ લાંબો સમય સુધી વિદેશમાં રહેવાના કિસ્સામાં નોટિસો ઈશ્યુ કરવામાં આવી છે.રાજ્યના શિક્ષણ વિભાગમાં તો છેલ્લા કેટલાક વર્ષોથી આવી પ્રવૃતિ ચાલતી હતી.
અનેક હેડ હેઠળ રજા
સામાન્ય રીતે કર્મચારીઓને હક્કરજા. ઉપરાંત અર્ધપગારી રજા, રૂપાંતરિત રજા, બિન જમા રજા, માંદગીની રજા, પ્રાસંગિક, મરજિયાત, અને વળતર રજા જેવા અનેક હેડ હેઠળ રજા આપવામાં આવી હોય છે. કોઈપણ કર્મચારીને વિદેશ જવું હોય તો તેના ડોક્યુમેન્ટસ અને રજાનો રિપોર્ટ આપવાનો હોય છે, પરંતુ કેટલાક વિભાગોમાં બેદરકારીના કારણે ડોક્યુમેન્ટસની તપાસ નહીં થતી હોવાથી કર્મચારીઓ વિદેશમાં સ્થાયી થઈ જતા હોય છે.
સરકાર ખોટી રજા લેતા કર્મચારીઓ પર લાદશે નિયંત્રણ
રાજ્ય સરકાર હવે રજા મંજૂર કરવા સત્તાની વહેંચણી, રજાના નિયમોમાં પરિવર્તન, વિદેશજવાના કિસ્સામાં વધુ તરેદારી તેમજ વિભાગના વડાની જવાબદારી ફિક્સ કરવા માંગે છે. એટલું જ નહીં ગંભીર માંદગી કે લગ્નપ્રસંગ સહિતના અન્ય પ્રસંગોએ રજા લેતા કર્મચારીઓ પર કેટલાક નિયંત્રણો મૂકવામાં આવી શકે છે.






