બાવળા નગરપાલિકાના ફાયર વાહનમાંથી એન્જિનની ચોરી થયાની આશંકા, ચીફ ઓફિસર પર લાગ્યા ગંભીર આરોપ
Ahmedabad News : અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં બાવળા નગરપાલિકાએ વોર્ડ-2માં એક કોમ્પ્લેક્સ બનાવ્યું

Ahmedabad News : અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં બાવળા નગરપાલિકાએ વોર્ડ-2માં એક કોમ્પ્લેક્સ બનાવ્યું હતું. આ કોમ્પ્લેક્સ છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં છે. આ કોમ્પ્લેક્સમાં ફાયરની વાન છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે. બાવળાના સામાજિક કાર્યકરે ફાયર વાહનના એન્જિનની ચોરી થયાની આશંકા વ્યક્ત કરી છે અને આ મામલે બાવળા નગરપાલિકાના ચીફ ઓફિસર પર ગંભીર આક્ષેપો કર્યા છે.
ચીફ ઓફિસરને રજૂઆત કરી પણ જવાબ ન આપ્યો
બાવળાના સામાજિક કાર્યકર મયુરધ્વજસિંહ ડાભીએ આ કોમ્પ્લેક્સમાં બંધ હાલતમાં રાખેલ ફાયરની વાનની તપાસ કરી હતી જેમાં તેમને માલુમ પડ્યું હતું કે ફાયર ફાઈટરનું એન્જિન કાઢીને અદલાબદલી કરવામાં આવી છે અથવા એન્જીનની ચોરી થઈ છે. તેમણે ચીફ ઓફિસરને અનેક વાર મૌખિક રજૂઆત કરી ફાયર વાનની આરસી બુક માંગી હતી જેથી એન્જિનની ખરાઇ કરી શકે એ પરંતું ચીફ ઓફિસર એ મૌન ધારણ કરી સામાજિક કાર્યકરને કોઈ જવાબ આપ્યો ન હતો.
ચીફ ઓફિસર સાથે ટેલીફોનીક વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે એન્જિનની ચોરી કે બદલ્યું તે ચકાસી ફરિયાદ આપીશું.
ચીફ ઓફિસર કે નગરપાલિકા પોલીસ ફરિયાદ નથી કરી
સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યો છે કે આ ફાયર વાનનું એન્જિન ચોરી થયું હોય અને તેની અદલાબદલી કરી હોય તેવું જણાઈ રહ્યું છે અને આ બાબતે નગરપાલિકાને જાણ કરતા હજી સુધી નગરપાલિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. જો ચીફ ઓફિસર કે નગરપાલિકાના કોઈ હોદ્દેદારો આ ફાયર ફાઈટર વાળા એન્જિનની ચોરી કે બદલીની ફરિયાદ નહીં આપે તોસામાજિક કાર્યકર પોતે ફરિયાદ આપશે. તેમણે આ બાબતે કડક કાર્યવાહી કરાવવાની માંગ કરી છે.
ભાજપ નેતાનો સિક્યુરિટીનો કોન્ટ્રાકટ
સાથોસાથ સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે આ કોમ્પ્લેક્સમાં એક ભાજપના જ નેતાને સિક્યુરિટીનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે પરંતુ અહીં 3,000ના પગાર પર એક સામાન્ય માણસ સિક્યુરિટી કરી રહ્યો છે જે નકલી હોય તેવું લાગી રહ્યું છે.








