મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બાબા સિદ્દીકી હત્યા મામલો: તપાસનો રેલો સાબરમતી જેલ પહોંચ્યો, મુંબઇ પોલીસની વિશેષ ટીમ આવશે અમદાવાદ

મુંબઇમાં બાબા સિદ્દીકીની હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગની સંડોવણી સામે આવતા મુંબઇ પોલીસની વિશે

બાબા સિદ્દીકી હત્યા મામલો: તપાસનો રેલો સાબરમતી જેલ પહોંચ્યો, મુંબઇ પોલીસની વિશેષ ટીમ આવશે અમદાવાદ

મુંબઇમાં બાબા સિદ્દીકીની હત્યા કેસમાં લોરેન્સ  બિશ્નોઇ  ગેંગની સંડોવણી સામે આવતા મુંબઇ પોલીસની વિશેષ ટીમ  સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ લોરેન્સની પુછપરછ કરવા માટે અમદાવાદ આવશે.  ગેંગસ્ટર બિશ્નોઇની પુછપરછ કરવા માટે  કેન્દ્ર સરકારની વિશેષ પરવાનગી લેવાની રહે છે.  બીજી તરફ  લોરેન્સ બિશ્નોઇ મોટી ઘટનાને અંજામ આપવા માટે તેના મેસેજ બહાર પહોંચતા કરવા માટે જેલના કેટલાંક મેસેન્જરનો ઉપયોગ કરતો હોવાની શક્યતા તપાસ એજન્સી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા લોરેન્સ બિશ્નોઇએ પાકિસ્તાનમાં કોલ થયાનું પણ સામે આવ્યું હતું. જો કે આ કેસની તપાસ કોઇ કારણસર આગળ વધી નહોતી.

બાબા સિદ્દીકીની હત્યા મામલે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની ગેંગનું નામ

મુંબઇમાં  એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા મામલે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની ગેંગનું નામ સામે આવતા મુંબઇ  પોલીસ સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇની પુછપરછ કરવામાં આવશે. લોરેન્સ  બિશ્નોઇ હાલ સાબરમતી જેલના સૌથી સુરક્ષિત અંડા સેલમાં રાખવામાં આવ્યો છે. જ્યાં તેને કોઇ મળવા આવી શકતું નથી.જો કે તેને નાસ્તો અને  જમવાનું પહોચતુ કરવામાં આવે છે અને તેના સેલની આસપાસ સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહે છે. પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ જો બિશ્નોઇ ગેંગની સંડોવણી બાબા સિદ્દીકી હત્યા કેસમાં હોય તો લોરેન્સ બિશ્નોઇની પરવાનગી વિના સમગ્ર ઘટનાને અંજામ આપવો અશક્ય છે. જેથી લોરેન્સ જેલમાંથી તેના સંદેશા બહાર પહોંચતા કરવા માટે જેલમાંથી કોઇની મદદ લેતો હોવાની આશંકા સેન્ટ્રલ એજન્સીઓ અને મુંબઇ પોલીસે આશંકા વ્યક્ત કરી છે. 

લોરેન્સ બિશ્નોઇનો વીડિયો કોલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો

થોડા સમય પહેલા લોરેન્સ બિશ્નોઇનો વીડિયો કોલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તેણે સાબરમતી જેલમાંથી પાકિસ્તાન કોલ કરીને ઇદની શુભેચ્છા આપ્યા હોવાનો દાવો કરાયો હતો. પરંતુ, સાબરમતી જેલના અધિકારીઓનું કહેવું હતું કે આ વીડિયો જુનો છે અને સાબરમતી જેલનો નથી. ત્યારબાદ આ અંગે કોઇ તપાસ કરવામાં આવી નહોતી. પરંતુ, જેલમાંથી લોરેન્સને કોઇ ગ્રાઉન્ડ સ્ટાફ કે અન્ય કોઇની મદદ મળતી હોવાની પુરેપુરી શક્યતા છે. જેથી આ મામલે કેન્દ્રીય એજન્સી પણ  તપાસ કરશે. જેમાં છેલ્લાં ત્રણ મહિના દરમિયાન તેના સેલમાં સુરક્ષાની કામગીરી કરતા સુરક્ષા કર્મીઓ અને જેલના કેટલાંક કેદીઓની પુછપરછ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં તિહાડ જેલમાંથી કોલ કર્યા હતા.

 નવરાત્રિ દરમિયાન તેણે જેલમાં મૌન વ્રત રાખ્યું

સુત્રોના જણાવ્યા મુજબ લોરેન્સ બિશ્નોઇ જ્યારે તેની ગેંગની મદદથી મોટી ઘટનાને અંજામ આપવાનો હોય તે પહેલા મૌનવ્રત કરતો હોય છે. નવરાત્રિ દરમિયાન તેણે જેલમાં મૌન વ્રત રાખ્યું હતું. આ પહેલા તેની ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી ત્યારે પણ તેણે મૌન ધારણ કર્યું હતું.

આ સમાચાર શેર કરો