પોરબંદર: કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં રસાકસી ભર્યો માહોલ, કાના જાડેજા સામે ઢેલીબેન ઓડેદરા
પોરબંદરમાં કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં રસાકસીભર્યો મોહાલ જોવા મળી શકે છે. ભાજપ તરફ

પોરબંદરમાં કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં રસાકસીભર્યો મોહાલ જોવા મળી શકે છે. ભાજપ તરફથી ઢેલીબેન ઓડદરાને ટિકિટ આપવામાં આવી છે.તો સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાએ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. જેના લીધે રાજકારણ ગરમાયુ છે. સામાન્ય રીતે કાંધલ જાડેજા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી દૂર રહે છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં તેમણે રસ દાખવ્યો છે.
જાડેજા પરિવાર અને ઓડેદરાના પરિવાર વચ્ચે ખટરાગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપ સામે મેદાને જોવા મળી રહ્યાં છે.તો બીજી બાજુ છેલ્લા ઘણા સમયથી જાડેજા પરિવાર અને ઢેલીબેન ઓડેદરાના પરિવાર વચ્ચે ખટરાગ જોવા મળ્યો છે. ગત વિધાનસભા ચૂંટણી સમયે પર ભાજપમાંથી ઢેલીબેન ઓડેદરા કુતિયાણાની વિધાનસભા બેઠક પર કાંધલ જાડેજા સામે ચૂંટણી લડ્યા હતા.
કુતિયાણા નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો કાંધલ જાડેજાનો ગંભીર આરોપ
તેમજ થોડા સમય પહેલા કુતિયાણા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે કાંધલ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી પણ કરી હતી. ઘણા સમયથી એવી ચર્ચા પણ ચાલી રહી હતી કે નગરપાલિકાની ચૂંટણીમાં જાડેજા પરિવાર ઝંપલાવશે અને કાના જાડેજાએ આજે ફોર્મ ભરીને એ ચર્ચાને સાર્થક કરી છે.
કુતિયાણામાં ઢેલીબેન ઓડેદરા જ ક્વીન
ભાજપમાં એક બાજુ પરિવારવાદનો વિરોધ અને બીજી બાજુ નગરપાલિકાની ચૂંટણીમાં એક જ પરિવારના ચાર સભ્યોને ટિકિટ અપાઈ છે. કુતિયાણા નગરપાલિકાની આ ચૂંટણી અંગે રાજકીય પંડિતોના મુખે એક જ ચર્ચા છે કે કુતિયાણામાં ભાજપના નહીં, ઢેલીબેનના નિયમો ચાલે છે અને કુતિયાણામાં ઢેલીબેન ઓડેદરા જ ક્વીન છે.
27થી વધુ વર્ષ સુધી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ રહ્યાં ઢેલીબેન
ઢેલીબેન ઓડેદરા લગભગ 27 વર્ષથી વધુ સમય સુધી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ રહ્યા છે. ઢેલીબેનની રાજકીય કારકિર્દી 1995માં શરુ થઈ, જ્યારે તેઓ 1995માં પ્રથમ વખત નાગરિક સમિતિમાંથી ચૂંટણી લડ્યાં અને જીતીને નગરપાલિકાના પ્રમુખ બન્યા. 2002માં પણ નાગરિક સમિતિમાંથી જંગી બહુમતીથી વિજેતા બની ફરીવાર નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા ચૂંટાયા. 2007માં નાગરિક સમિતિમાંથી બિનહરીફ નગરપાલિકાના પ્રમુખ પદે તેમની નિમણુંક થઈ હતી. 2011માં ભારતીય જનતા પાર્ટીના વિચારોથી પ્રભાવિત થઈ પાર્ટી જોઈન કરી હતી. 2012માં ભાજપના નિશાન પરથી બિનહરીફ નગરપાલિકાના પ્રમુખ પદે ચૂંટાયા. 2017માં NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાની પેનલ સામે 24માંથી 19 સીટ પર જંગી બહુમતીથી વિજય મેળવી 5મી વખત નગરપાલિકા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. કુતિયાણા નગરપાલિકા ચૂંટણી 2021માં પણ તેઓ જીતીને પ્રમુખ બન્યા હતા.








