મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Anand news: ખંભાતમાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો,ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં પરિણીતાનો મૃતદેહ મળ્યો

Anand news: આણંદ જિલ્

Anand news: ખંભાતમાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો,ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં પરિણીતાનો મૃતદેહ મળ્યો

Anand news: આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ખોડિયા કૂવા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક ખેતરમાંથી પરિણીતાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર અથવા ભારે વસ્તુના ઘા હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યાનો મામલો હોવાની આશંકા સેવાઈ રહી છે.

શું છે સમગ્ર મામલો?
ખંભાત શહેરના દરિયા દરબાર ફળિયામાં રહેતા સારિકાબેન પટેલની લાશ ખોડિયા કૂવા પાસેના એક ખેતરમાંથી મળી આવી હતી. સારિકાબેન વત્રા ગામના ધર્મેન્દ્રભાઈ પટેલના પત્ની હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોનાં ટોળાં એકત્રિત થઈ ગયા હતા અને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો
આ ઘટના વધુ કરૂણ એટલા માટે છે કારણ કે મૃતક સારિકાબેનને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ટૂંક સમયમાં જ તેમની દીકરીના લગ્ન લેવાના હતા. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને ખુશીનો માહોલ હતો, પરંતુ તે પહેલા જ માતાની લાશ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દીકરીના હાથમાં મહેંદી મુકાય તે પહેલા જ માતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે
ઘટનાની ગંભીરતાને જોતા ખંભાત ડીવાયએસપી એસ. બી. કુંમ્પાવત અને ગ્રામ્ય પી.આઈ. સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે. મૃતક મહિલાના માથાના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી છે, જેના પરથી પોલીસ અનુમાન લગાવી રહી છે કે કોઈએ અંગત અદાવત કે અન્ય કારણોસર તેમની હત્યા કરી હોઈ શકે છે. પોલીસે લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ (PM) માટે સરકારી હોસ્પિટલ ખસેડી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ અને સમય જાણી શકાશે.

તપાસના ચક્રો ગતિમાન
ખંભાત પોલીસ દ્વારા હાલમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. સારિકાબેન ખેતરે કેમ ગયા હતા? તેમની સાથે છેલ્લે કોણ હતું? અને કોઈની સાથે તેમનો ઝઘડો હતો કે કેમ? તે દિશામાં પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. લગ્ન પ્રસંગના થોડા દિવસો પહેલા જ બનેલી આ ઘટના પાછળ કોઈ મોટું કાવતરું હોવાની શંકા પણ નકારી શકાતી નથી.

આ સમાચાર શેર કરો