કપડવંજ હાઈવે પર ST બસ સાથે THARની ભયાનક ટક્કર, 1નું મોત અને 15થી વધુ મુસાફરો ઘાયલ
કપડવંજથી નડિયાદ જતી ST બસ અને થાર વચ્ચે અકસ્માતમાં થાર ગાડીના ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું

કપડવંજથી નડિયાદ જતી ST બસ અને થાર વચ્ચે અકસ્માતમાં થાર ગાડીના ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. થાર ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હોવાથી ગાંધીનગર જિલ્લાના થાર ગાડીના ચાલકને પતરું કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો. સદનસીબે બસમાં સવાર તમામને સામાન્ય ઈજાઓ થતા વધુ જાન હાની થતા અટકી હતી.
ગાડીના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો
કપડવંજથી એસટી બસ નીકળી નડિયાદ તરફ જવા રવાના થઈ હતી. ત્યારે બપોરે ૩ઃ૩૦થી ૪ કલાક દરમિયાન ફત્યાવાદ નજીક નર્મદા નહેરના પુલ પાસે થાર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં થાર ગાડીના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. થાર ગાડીના ચાલક કૃણાલ જયંતીભાઈ ઠાકોરનું ઘટના સ્થળે મોત થયું હતું.
થારનું પતરું ચીરીને મૃતદેહને બહાર કઢાયો
થારનું પતરું ચીરીને મૃતદેહને બહાર કઢાયો હતો. મૃતદેહને પીએમ અર્થે કપડવંજ સીએચસીમાં પીએમ માટે મોકલી અપાયો હતો. મૃતક કૃણાલ (ઉં.વ.૨૬) મૂળ સીલજ- ગાંધીનગર જિલ્લાનો વતની હતો. નજીકના ગામ આંત્રોલીના કાળભાઈ મંગળભાઈની દીકરી કિંજલબેન સાથે બે વર્ષ અગાઉ જ કૃણાલના લગ્ન થયા હતા. કૃણાલને સંતાનમાં એક પુત્ર પણ હતો.




