Tapi News: ડોલવણમાં અનરાધાર 6.68 ઈંચ વરસાદ, વ્યારામાં 4.92 ઈંચથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ચોમાસાની ચાર જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. સવારે 10થી બીજા દિવસે સવારે 10 વાગ્યા સુધીના સમયગાળામાં ડોલવણ તાલુકામાં સૌથી વધુ 6.68 ઈંચ વરસાદ પડ્યો છે. વ્યારા તાલુકામાં 4.92 ઈંચ અને વાલોડમાં 4.68 ઈંચ વરસાદ નોંધાયો છે.
રસ્તા પર ભરાયા પાણી
સોનગઢમાં 3.62 ઈંચ વરસાદ થયો છે. નિઝરમાં 1.37 ઈંચ, ઉચ્છલમાં 1.06 ઈંચ અને કુકરમુંડામાં 0.94 ઈંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે જિલ્લાની નદીઓ અને નાળાઓમાં પાણીની આવક વધી છે.વ્યારા, ડોલવણ અને વાલોડ તાલુકામાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે.
વાહનવ્યવહારને અસર
ગ્રામ્ય વિસ્તારોના નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસ્યા છે. વ્યારા શહેરમાં વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. ખેડૂતોએ વરસાદથી રાહત અનુભવી છે. જિલ્લા વહીવટીતંત્ર અને જળસંપત્તિ વિભાગે લોકોને નદીના પટ્ટામાં ન જવા સૂચના આપી છે. કાંઠા વિસ્તારોમાં સાવચેતી રાખવાની અપીલ કરી છે. તંત્રે એલર્ટ જાહેર કર્યું છે અને નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું છે.

