Tapi/ ડિગ્રી વગર એલોપેથિક દવાઓ વેચતો 'બોગસ તબીબ' ઝડપાયો, ₹29 હજારથી વધુનો જથ્થો જપ્ત
તાપી જિલ્લામાં ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરતા એક બોગસ તબીબને SOG પોલીસે ઝડપી પાડ્યો છે. નિઝર તાલુકાના રૂમકીતળાવ ગામેથી પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આરોપી પાસેથી મોટી માત્રામાં એલોપેથિક દવાનો જથ્થો મળી આવ્યો છે.
મુન્ના ભાઈની પ્રેક્ટિસનો પર્દાફાશ
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, SOG પોલીસે બાતમીના આધારે રૂમકીતળાવ ગામમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી આરોપી રસિક વસાવા નામનો બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો. તે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત ન હોવા છતાં ગેરકાયદેસર રીતે એલોપેથિક દવાઓ આપીને દર્દીઓની સારવાર કરતો હતો. પોલીસે તેની પાસેથી એલોપેથિક દવાનો ₹29,341 રૂપિયાની કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે.
રસિક વસાવા નામના આ બોગસ તબીબને ઝડપી લઈને પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકારના બોગસ ડોક્ટરો સામે તાપી જિલ્લા SOG દ્વારા કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે, જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા અટકાવી શકાય.

