Tapi/ LCB અને પેરોલ ફોર્સને મોટી સફળતા: SBI ATM ચોરીનો વોન્ટેડ આરોપી ઝડપાયો!

તાપી જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફોર્સની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક વર્ષથી ફરાર ચાલી રહેલા કુખ્યાત મૈયાત ગેંગના વોન્ટેડ આરોપીને ઉત્તરાખંડથી ઝડપી પાડ્યો છે. આરોપી ઇનામ સૈયદ ગત વર્ષે વ્યારાના કાનપુરા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)ના ATMને ગેસ કટર વડે કાપીને કરાયેલી મોટી ચોરીમાં મુખ્ય સૂત્રધાર હતો. આ ચોરીમાં આરોપીઓએ રોકડા ₹44 લાખથી વધુની રકમની ચોરી કરી હતી, તે છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી દૂર હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, LCB અને પેરોલ ફોર્સની ટીમને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી ઇનામ સૈયદ ઉત્તરાખંડમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે આરોપીને ઉત્તરાખંડથી ઝડપી પાડ્યો હતો.
આરોપી ઇનામ સૈયદ માત્ર તાપી જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર અને ગોવા જેવા અન્ય રાજ્યોમાં પણ ATM ચોરીના અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો. અન્ય રાજ્યોમાં પણ તેની સંડોવણીને જોતાં, પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગામી તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.

